પાટણ: રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર નવાર લાખોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. તો આજે પણ ઘણા વિસ્તારોમાં જાણે પોલીસની રહેમ નજર હેઠળ દેશી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ત્યારે પાટણ જિલ્લાના હારીજમાં રહેણાંક વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ હારીજ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી હોબાળો મચાવ્યો હતો.
સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી હારીજના રામજી મંદિર વિસ્તાર તળાવ પાસે દેશી દારૂનું વેચાણ થતું હોવાનું જણાવી કાર્યવાહીની માંગ કરી હતી.
આ દરમિયાન સ્થાનિક લોકોએ સવાલ કર્યો હતો કે, પાટણ જિલ્લા પોલીસવડા દ્વારા દારૂબંદીને કડક અમલ હોવા છતાં કોની રહેમ નજર હેઠળ હારીજમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે? સ્થાનિક લોકોએ હારીજ પોલીસને આ મામલે લેખિતમાં પણ રજુઆત કરી હતી. ત્યારે પોલીસે લોકોની રજૂઆતના પગલે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. જોકે, પોલીસ પકડે તે પહેલા જ બુટલેગર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.