ગુજરાતના રાજકારણમાં દિવસેને દિવસે ગરમાવો આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર ચૂંટણી લડવાનું મન બનાવી ચુકી છે. ગુજરાતના રાજકારણમાં યુવાઓ પણ સક્રિય થતા જોવા મળી રહ્યા છે.
ત્યારે રાજદ્રોહ કેસમાં છેલ્લા કેટલાક મહિનાથી જેલમાં બંધ પાસ કન્વીનર અલપે્શ કથીરિયા હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેમણે સૌરાષ્ટ્રની મુલાકાત દરમિયાન આંદોલનના સંકેત આપ્યા છે. આવી સ્થિતિમાં હવે માનવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં અલ્પે્શ કથીરિયા પણ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈ શકે છે.
આંદોલનને લઈ અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, પાટીદાર સમાજની માગ નહી સ્વીકારાય તો આંદોલન ચાલુ જ રહેશે. શહીદના પરિવારોને સરકારી નોકરી અને યુવાનો પરના કેસ પર ખેંચવાની પાટીદાર સમાજ માગ કરી રહ્યું છે. મહત્વનું છે કે, વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. હાલમાં જેલમાંથી છૂટેલા અને ગુજરાત અને ખાસ કરીને સુરતના પાટીદાર આંદોલનના મોટા નેતા અલ્પેશ કથીરિયા હાલ દેવ દર્શનના બહાને સૌરાષ્ટ્ર પ્રવાસ પર છે.
આજે સાળંગપુર અને ગઢડા મંદીરે દર્શન કર્યા બાદ થયેલી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જો ન્યાય ન મળે તો આંદોલન ચાલુ રહેશે તેવું નિવેદન આપ્યું હતું. શહીદના પરિવારોને સરકારી નોકરી અને યુવાનો પરના કેસ પર ખેંચવાની પાટીદાર સમાજ માંગ કરી રહ્યો છે. ત્યારે આવનાર 2022ની ચૂંટણી પહેલા ફરી પાછું પાટીદાર આંદોલન ધમધમતું બને તો નવાઈ નહીં. કારણ કે હાર્દિક પટેલના કોંગ્રેસમાં ભળ્યા બાદ અલ્પેશ કથીરિયા પાટીદાર આંદોલનને પોતાના હાથમાં લઈ શકે છે અને પોતાની સૂઝબૂઝથી આંદોલન માટેની તૈયારી આ પ્રવાસ દરમિયાન જ કરતાં હોય તેવું મનાઈ રહ્યું છે.