પંચમહાલ: હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, તેવામાં રાજ્યના ઘણા વિસ્તારોમાં પાણીને લઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ પાસે આવેલા દેલોલ ગામમાં પાણીની સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વર્ષોથી દેલોલ ગામમાં પાણીની સમસ્યા છે જે આજે પણ યથાવત જોવા મળી રહી છે.
હાલમાં પણ દેલોલ ગામમાં સપ્તાહમાં એક જ વાર પાણી આપવામાં આવે છે જેથી ગામમાંથી લોકો હિજરત કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આશરે સાત હજારની વસ્તી ધરાવતા દેલોલ ગામમાં સ્થાનિકો પાણી જેવી મૂળભૂત જરૂરીયાત સંતોષવા માટે રોજે રોજ સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે.
મહિલાઓના જણાવ્યા મુજબ તેઓને ગામ બહાર કોઈ કામ માટે પાણીની ચિંતાને કારણે જઈ શકાતું નથી. ક્યારેક દસ બાર દિવસ બાદ પાણી આપવામાં આવે તેવું પણ બને છે. પાણીની સમસ્યા અંગે દેલોલના રહીશોએ અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતું હોવાથી પાણીની તંગીને કારણે કેટલાક પરિવાર ગામ છોડીને હિજરત કરવા મજબૂર બન્યા છે.