પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર હુમલા અટકવાનું નામ નથી રઈ રહ્યા. ફરી એકવાર કટ્ટરપંથીઓ દ્વારા હન્દુ મંદિર પર હુમલાની નિંદનીય ઘટના સામે આવી છે. ઈમરાન ખાન સરકાર દ્વારા મંદિરોની સુરક્ષાના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે આ વચ્ચે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત હિંગળાજ માતા મંદિરમાં કટ્ટરપંથીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાનના સિંધ પ્રાંતના થાર પાર્કર જિલ્લાના ખત્રી મહોલ્લામાં મુસ્લિમ કટ્ટરપંથીઓએ હિંગળાજ માતા મંદિરમાં તોડફોડ કરી છે. હુમલાખોરોએ મંદિરમાં રાખેલ તમામ મૂર્તિઓ સહિત તમામ સામાન નષ્ટ કરી દીધો છે.
એક બાજુ ઈમરાન ખાન સરકાર સબ સલામતના દાવા કરે છે જ્યારે બીજી બાજુ અનેકવાર હિન્દુ મંદિરોને કટ્ટરપંથીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિન્દુ મંદિરો પર હુમલાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 22 મહિનામાં પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર આ 11મો હુમલો છે.
હિંગળાજ માતા મંદિર પર હુમલા બાદ પાકિસ્તાન હિન્દુ મંદિર પ્રબંધનના પ્રમુખે જણાવ્યું કે, ઈસ્લામિક કટ્ટરપંથીઓ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ કે સરકારથી ડરતા નથી. આ દરમિયાન તેમણે આવા ગુનેગારોને વહેલીતકે ઝડપી પાડવા માગ કરી છે.