સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર અલ્પેશ કથીરિયાની અંતે પોલીસે ધરપકડ કરી છે. સુરત પાસેના વેલંજા ગામમાં એક મિત્રના લગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશ કથીરિયાને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
અલ્પેશ કથીરિયાએ પોલીસ સાથે ગેરવર્તન કરતાં અમરોલી રાજદ્રોહ કેસમાં તેના શરતી જામીન રદ થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ વિવિધ જગ્યાએ તેને શોધતી હતી અને આજે તે ઝડપાઈ ગયો હતો. અલ્પેશ કથીરિયા સામે કુલ 5 ગુના નોંધાયા છે.
અમરોલી રાજદ્રોહના કેસમાં 3 મહિના અને 20 દિવસ જેલમાં રહ્યા બાદ અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા હતા. જામીન મળ્યાના થોડા દિવસોમાં અલ્પેશ કથીરિયાનો વરાછામાં ટ્રાફિક પોલીસ સાથે ટકરાવ થયો હતો.
તેના પગલે અલ્પેશે વરાછા પોલીસ સ્ટેશનમાં જઈને ધમાલ મચાવતાં અલ્પેશ સામે એક સાથે 5 ગુના નોંધાયા હતા. તેના આધારે પોલીસે સેશન્સ કોર્ટમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. આ અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. ત્યાર બાદ ધરપકડ ટાળવા માટે અલ્પેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
પોલીસે તેને પકડવા માટે તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે સર્ચ કરીને તેમના જવાબ લીધા હતા. આ દરમિયાન આજે સોમવારે અલ્પેશ સુરતના વેલંજા ખાતે મિત્રના લગ્નમાં આવ્યો હોવાથી જાણ થતા સુરત ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી.
અલ્પેશ કથીરિયા પોલીસ પકડથી દૂર હતો અને પોલીસ દ્વારા તેના ગામ અને સગા સંબંધીઓના ઘરે સર્ચ કરીને તેમના જવાબ લેવામાં આવતા સોશિયલ મીડિયામાં બે ઓડિયો ક્લિપ વાઈરલ કરી હતી. બીજી તરફ અલ્પેશે ધરપકડ ટાળવા માટે વકીલ મારફત હાઈ કોર્ટમાં બચાવ માટે ક્રીમિનલ રિવિઝન અરજી કરી હતી, જે હાલ પેન્ડિંગ છે.
પાસના કાર્યકરોએ અલ્પેશને જામીન મળે તે માટે ગવર્નર ઓ.પી. કોહલીને પત્ર લખીને મદદ માંગી હતી. જોકે, ત્યાર બાદ ‘પાસ’ના બે આગેવાનો દ્વારા આમરણાંત ઉપવાસ પણ કરવામાં આવી રહ્યા છે. ગત રોજ ઉપવાસ પર ઉતરેલા ધાર્મિક માલવિયાની તબિયત પણ લથડી હતી. તેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.