કોરોના મહામારી સંકટ દરમિયાન જ્યાં એક તરફ ભારતમાં અરબોપતિઓની સંખ્યામાં વધારો થયો છે, તો બીજી તરફ ગરીબી પણ ઝડપથી વધી રહી છે. ઓક્સફેમ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, દેશમાં ગરીબોની સંખ્યા બમણી થઈ ગઈ છે, જ્યારે યાદીમાં 40 નવા અરબોપતિના નામ સામેલ થયા છે. આ દરમિયાન ભારતે અરબોપતિઓની સંખ્યાના મામલે વિશ્વના ઘણા દેશોને પાછળ છોડી દીધા છે. દેશના અરબોપતિઓમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે જોરદાર વધારો નોંધાયો છે.
વિશ્વના ઘણા દેશોને પાછળ છોડીને આગળ નીકળ્યું ભારત
જો આપણે બિલિયોનેર્સ ઈન્ડેક્સ પર નજર કરીએ તો વિશ્વના 500 સૌથી ધનિક લોકોએ ગયા વર્ષે તેમની નેટવર્થમાં 1 ટ્રિલિયન ડોલરથી વધુનો વધારો નોંધાવ્યો છે. ઓક્સફેમે જણાવ્યું કે, ભારતમાં ગયા મે મહિનામાં શહેરી બેરોજગારી 15 ટકા સુધી વધી ગઈ હતી અને ખાદ્ય અસુરક્ષા વધુ ખરાબ થઈ ગઈ હતી, હવે ફ્રાન્સ, સ્વીડન અને સ્વિટ્ઝર્લેન્ડની તુલનામાં ભારત વધુ અરબોપતિવાળો દેશ બન્યો છે.
અરબોપતિઓની સંપત્તિ થઈ બમણી
રિપોર્ટ અનુસાર, વિશ્વ કોરોના મહામારીથી પરેશાન છે અને હવે ઓમિક્રોન વેરિયન્ટે ફરી ચિંતા વધારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના કાળમાં એકતરફ ગરીબો સામે ખાવાનું સંકટ ઊભું થયું છે, પરંતુ અમીર લોકોની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. કોરોનાકાળમાં ભારતીય અરબોપતિઓની કુલ સંપત્તિ બમણી થઈ છે.
અમીરોની સંખ્યામાં 39%નો વધારો
Oxfamના રિપોર્ટ અનુસાર, દેશમાં અરબોપતિની સંખ્યામાં 39 ટકાનો વધારો થયો છે અને યાદીમાં 40 નવા અરબોપતિના નામ ઉમેરાયા છે. આ વધારાની સાથે દેશમાં હાલમાં કુલ અરબોપતિઓની સંખ્યા 142 થઈ ગઈ છે. ઓક્સફેમે એક અહેવાલમાં જણાવ્યું છે કે, દેશના અરબોપતિઓ પાસે સંયુક્ત સંપત્તિ લગભગ 720 અરબ ડોલર (આશરે 53 લાખ કરોડ રૂપિયા) છે, જે દેશના સૌથી ગરીબ 40 ટકા વસ્તીથી વધુ છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં જોરદાર વધારો
એક રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં ગયા વર્ષે સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. અદાણી ગ્રુપની પાસે ગયા વર્ષે ભારતમાં સૌથી વધુ સંપત્તિ હતી અને તેમણે વૈશ્વિક સ્તરે સંપત્તિમાં પાંચમી સૌથી મોટી વૃદ્ધિ નોંધાવી હતી. ગૌતમ અદાણીની સંપત્તિમાં 42.7 અરબ ડોલરનો ઉમેરો થયો, આ સાથે તેમની સંપત્તિ 90 અરબ ડોલર થઈ ગઈ છે. મુકેશ અંબાણીની નેટવર્થ 2021માં વધીને 13.3 અરબ ડોલર ઉપર ચઢી અને હવે 97 અરબ ડોલર થઈ ગઈ છે.