રાજ્યની નવી ભૂપેન્દ્ર પટેલ સરકારે દિવાળી પહેલા મોટો નિર્ણય લેતાં 10 આઈએએસ અધિકારીઓની બદલીનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં નવી સરકારનાં ગઠન બાદ મંત્રીઓ બદલાઈ ગયા છે ત્યારે સરકારે વિવિધ IAS અધિકારીઓની બદલી અને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજ્યના 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એમ. કે. દાસની અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. બંદરો અને વાહન વ્યવહારનો કાયમી ચાર્જ અપાયો છે. સી. વી. સોમને નર્મદા અને જળ સંપત્તિ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ અપાયો છે.
જે. પી. ગુપ્તાને અગ્ર સચિવ નાણાં વિભાગમાં બદલી આપવામાં આવી છે. આ સિવાય અશ્વની કુમારને સ્પોર્ટસ યુથ અને કલ્ચર એક્ટિવિટી વિભાગના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિરેક્ટર જનરલનો વધારોનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે.
આ સિવાય મિલિંદ તોરવાણે, અવિંતા સિંઘ આલુખ, બી.એ. શાહ , એસ. છાકછુઆક, કમલ એન. શાહ અને તુષાર સુમેરાની પણ બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે ઘણા દિવસોથી સચિવાલયમાં અધિકારીઓની બદલીને લઈને અંદરોઅંદર ચર્ચાઓ થઈ રહી હતી અને આજે સરકારનો નિર્ણય સામે આવ્યો છે.