ગીર સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોનું ઘોડાપુર સવારથી જ ઉમટી પડ્યું હતું, હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર વાતાવરણ શીવમય બન્યુ હતું.
કોરોનાકાળના બે વર્ષ બાદ સોમનાથ મંદિર ખાતે ભાવિકો માટે તમામ પાબંદીઓ હટાવી દેવામાં આવી છે, ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર વહેલી સવારે 4:00 કલાકે ખુલતાની સાથે જ લાખોની સંખ્યામા ભાવિકો દર્શનાથે ઉમટી પડ્યા હતા.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ભાવિકોને દર્શન માટેની એક જ જગ્યાએથી એન્ટ્રીને લઈ કતારબંધ દર્શન કરી લોકો ધન્ય બન્યા હતા. મહાદેવને રીજવવા લોકો પુષ્પ ,દૂધ, જળ લઈને મંદિરે પહોચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તથા પોલીસ તંત્ર દ્વારા 250થી વધુ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે. કતારબંધ અને શાંતિથી ભાવિકો દર્શન કરી શકે તે માટે ખૂબજ સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વાગતકક્ષ ઉભુ કરાયુ છે, તેમજ પ્રસાદી કાઉન્ટર, ભોજનાલય, પાર્કિંગ, ગેસ્ટહાઉસ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઇ છે. તેમજ 8 જેટલા ભંડારાઓ પણ દાતાઓના સહકારથી ઉપલબ્ધ કરાયા છે જેનો ભાવિકો લાભ લઈ રહ્યા છે.
રિપોર્ટઃ મિતેશ પરમાર, ગીર સોમનાથ