રાજકોટ: રાજકોટ જીલ્લાના ધોરાજીમાં જૂની પ્રાંત કચેરી તોડી નવી આધુનિક બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મહેસુલ સેવા સદન એક કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી હોવા છતાં હજી સુધી તેને કાર્યરત કરવામાં આવી નથી.
બિલ્ડિંગ તૈયાર થયે ઘણો સમય વીત્યો હોવા છતાં કચેરી કાર્યરત ન કરવામાં આવતા ધોરાજીના લોકોના મનમાં સવાલ ઉભો થયો છે અને તેને ઝડપથી શરૂ કરવા માંગ કરી છે.
મળતી માહિતી મુજબ, ધોરાજીના ગેલેક્સી ચોક નજીક આવેલ જુની પ્રાંત કચેરીની બિલ્ડીંગ તોડી નવી આધુનિક બિલ્ડીંગ બનાવવાની ઘણા સમયથી કામગીરી ચાલતી હતી.
ત્યારે આ મહેસુલ સેવા સદન બિલ્ડીંગ તૈયાર થયે એક વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે. જોકે આ મહેસુલ સેવા સદન હજુ સુધી કાર્યરત કરવામા આવી નથી. આ નવુ મહેસુલ સેવા સદન બિલ્ડીંગમાં ધોરાજી સબ રજીસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, સીટી સર્વે કચેરી સહિત તમામ સરકારી કચેરીઓ આવેલી છે, જોકે, હાલ તે કાર્યરત ન કરવામાં આવતા ધોરાજી શહેર અને આજુબાજુના લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. અરજદારોએ પોતાના વિવિધ કામો કરાવવા માટે અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. તેવામાં તંત્ર દ્વારા નવી બિલ્ડિંગ ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.