ટીમ ઈન્ડિયાના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ તાજેતરમાં જ કેપ્ટનશીપમાંથી રાજીનામું આપીને દરેકને ચોંકાવી દીધા હતા. વિરાટ કોહલીએ અચાનક ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ બીસીસીઆઈ વિચારમાં ડૂબી ગઈ છે કે ટેસ્ટ ક્રિકેટની કમાન કોના હાથમાં સોંપવામાં આવે.
કોહલી બાદ આ ખેલાડી બનશે નવા ટેસ્ટ કેપ્ટન
ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો એક એવા ખેલાડી છે જેઓ વિરાટ કોહલીની જગ્યાએ નવા ટેસ્ટ કેપ્ટન તરીકે ફિટ બેસે છે. કેએલ રાહુલ એકમાત્ર સ્ટાર ખેલાડી છે જેઓ નવા ટેસ્ટ કેપ્ટન બનવાના દાવેદાર છે. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વિરાટ કોહલીના સ્થાને કેએલ રાહુલને કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. આ મેચ ભલે બોલરોના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયા હારી ગઈ, પરંતુ તેમણે કેપ્ટનશીપમાં શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું.
મેદાન પર બતાવી હતી કોહલી જેવી આક્રમકતા
કેએલ રાહુલને સાઉથ આફ્રિકા સામે જે ટેસ્ટ મેચમાં કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, તે મેચમાં મેદાન પર કેએલ રાહુલનું આક્રમક પણ વલણ જોવા મળ્યું હતું. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ કેએલ રાહુલ પર કેટલીક કોમેન્ટો કરી રહ્યા હતા, જે કેએલ રાહુલને બિલકુલ પસંદ ન આવી. આ પછી રાહુલે દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. કેએલ રાહુલની આ સ્ટાઈલ ચાહકોને પસંદ આવી હતી.
કોને અને શા માટે મળવી જોઈએ ટેસ્ટ કેપ્ટનશીપ?
રોહિત શર્મા હાલ 34 વર્ષના છે. જો બીસીસીઆઈ ભવિષ્ય વિશે વિચારી રહી છે, તો તે એવા કોઈ વ્યક્તિને ટેસ્ટ કેપ્ટન બનાવવા ઈચ્છશે નહીં જેમની કારકિર્દીમાં માત્ર થોડા જ વર્ષ બાકી હોય. આવી સ્થિતિમાં 29 વર્ષીય કેએલ રાહુલને ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ મળી શકે છે. વિરાટ કોહલીને 27 વર્ષની ઉંમરે ટેસ્ટની કેપ્ટનશીપ મળી હતી, જ્યારે તેઓને 29 વર્ષની ઉંમરે ODI અને T20ની કમાન મળી હતી.