થોડા દિવસ પહેલા અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીમાં થીજી જવાથી એક જ પરિવારના 4 ગુજરાતીઓના મૃત્યું થયા હતા. જે મામલે ભાજપના પીઢ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અહીં તક મળતી નથી. ત્યારે હવે આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે.
લેભાગુ એજન્ટો સામે થશે કાર્યવાહી – હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક પર્વ પર સંબોધનમાં જણાવ્યું કે, જે લોકો રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે દોરે છે. બે નંબર રીતે બહાર લઈ જાય છે તે સૌ કોઈને ચેતવણી આપું છું. આગામી દિવસોમાં આ દિશામાં ખૂબ મોટી કામગીરી કરવા જઈ રહ્યા છીએ. રાજ્ય પોલીસ દ્વારા લેભાગુ એન્ટો પર તવાઈ બોલાવાશે.
ગુજરાતમાં સૌથી વધુ તક – હર્ષ સંઘવી
ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં તકોની વાત કરીએ તો દેશભરના યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું હોય તો તે ગુજરાત છે. રાજ્યના યુવાનોને રોજગારીની વાત હોય કે પૂરતી તકોની કેન્દ્ર સરકાર દ્વારા અટલ ઈનોવેશન મિશન, સ્ટાર્ટઅપ મિશનથી પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવે છે.
ગુજરાતમાં તક નથી – નીતિન પટેલ
રાજ્યમાં 1995થી ભાજપની સત્તા છે. નીતિનભાઈ પોતે 40 વર્ષથી ભાજપમાં છે અને 20 વર્ષ મંત્રી પદે પણ રહ્યા છે ત્યારે તેમણે સરદારધામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જાય છે. શા માટે જાય છે? અહીં તક નથી. અહીં મહેનત કર્યા પછી પણ સ્થાન મળતું નથી એટલે મોટી રકમનો ખર્ચ કરીને કેટલાંય જોખમો લઈને અમેરિકા જતા હોય. ત્યાં કોઈ ચિંતા નથી. ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે.