વધતી વસ્તી વૈશ્વિક સ્તરે એક મોટા પડકાર તરીકે ઉભરી રહી છે. ભારતના સંદર્ભમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા એક દાયકામાં દેશની વસ્તી ખૂબ જ ઝડપથી વધી રહી છે.
જોકે આ સંદર્ભમાં તાજેતરમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા થોડી રાહત આપે છે. NFHS-5ના રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રજનન દર 2.2થી ઘટીને 2.0 પર આવી ગયો છે.
વસ્તી નિયંત્રણના પગલાંને ધ્યાનમાં રાખીને આ આંકડાઓને વધુ સારા માનવામાં આવી રહ્યા છે. કુલ પ્રજનન દર (TFR), જે સ્ત્રી દીઠ જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યા તરીકે માપવામાં આવે છે, તેમાં ઘટાડો જોવા મળ્યો છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં હવે લોકોમાં ગર્ભનિરોધક પગલાં અંગે વધતી જાગૃતિ જોવા મળી રહી છે. જે વસ્તીના વૈશ્વિક પડકારના સંદર્ભમાં એક સારો સંકેત છે. જોકે વધતી જતી સ્થૂળતા એક નવી સમસ્યા તરીકે ઉભરી રહી છે.
સ્થૂળતા એક ચિંતાજનક વિષય
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પુરૂષો અને મહિલાઓ બંનેમાં સ્થૂળતા ઝડપથી વધી છે. સ્ત્રીઓમાં સ્થૂળતા 21 ટકાથી વધીને 24 ટકા અને પુરુષોમાં 19 ટકાથી વધીને 23 ટકા થઈ છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વધતો દર ઘણો પડકારજનક માનવામાં આવી રહ્યો છે.
બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો
આ સર્વેમાં બીજી એક વાત સામે આવી છે. જે મુજબ છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં 5 વર્ષથી નીચેના બાળકોના મૃત્યુ દરમાં થોડો ઘટાડો થયો છે. આ આંકડો હવે 38 ટકાથી ઘટીને 36 ટકા પર આવી ગયો છે. તેના આધારે નિષ્ણાતોનું કહેવું છે કે તે દર્શાવે છે કે બાળકોના પોષણ અને સંભાળમાં પહેલા કરતા વધુ સુધારો થયો છે.
સાડા 6 લાખ પરિવારોના ડેટાનો કરાયો અભ્યાસ
આ સર્વેક્ષણ માટે, NFHS દ્વારા દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના 707 જિલ્લાઓમાંથી લગભગ 6.37 લાખ પરિવારોના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 7.24 લાખ મહિલાઓ અને 1.01 લાખ પુરૂષોનો સમાવેશ થાય છે.
ડેટા સ્ટડીમાં નિષ્ણાતોએ શોધી કાઢ્યું છે કે લોકો હવે વધતી વસ્તીને રોકવા માટે પહેલા કરતા વધુ જાગૃત છે. ભારતમાં માત્ર પાંચ રાજ્યો એવા છે જે પ્રજનન દર 2.1 થી ઉપર છે. બિહાર (2.98), મેઘાલય (2.91), ઉત્તર પ્રદેશ (2.35) અને ઝારખંડ (2.26) મણિપુર (2.17) પ્રજનન દર ધરાવતા રાજ્યો છે.