જાપાનમાં જેબી વાવાઝોડા બાદ 6.7નો ભૂકંપ, સંખ્યાબંધ મકાનો ધરાશાયી, 1નું મોત</p>

વાવાઝોડાએ વેરેલી તબાહીની કળ વળે તે પહેલાં ભૂકંપે ભયભીત કરી મૂક્યા હતા

જન મન ઈન્ડિયા- સંવાદદાતા   

ટોકયોઃ જાપાનનાં લોકોને જેબી વાવાઝોડાએ વેરેલી તબાહીની કળ વળે તે પહેલાં આજે ભૂકંપે ભયભીત કરી મૂક્યા હતા. જાપાનના સાઉથ આઇલેન્ડ હોક્કાઇડોમાં આજે ગુરૂવારે વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકા આવ્યા હતા. ભૂકંપની રેક્ટર સ્કેલ પર તીવ્રતા 6.7 માપવામાં આવી છે.

ભૂકંપના કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 20થી વધુ લોકોને ઈજા પહોંચી છે. આ પ્રાથમિક અહેવાલ છે અને મૃત્યુઆંક વધી શકે છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર,  હોક્કાઇડોમાં ભૂકંપ બાદ જમીન ધસી પડતાં સંખ્યાબંધ ઘરોને નુકસાન પહોંચ્યું છે. હાલમાં 20થી વધુ લોકો ગુમ છે તે જોતાં મૃત્યુઆંક વધવાની પૂરી શક્યતા છે.

અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ હોક્કાઇડોના મુખ્ય શહેર સપ્પોરોથી 68 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં હતું

ભૂકંપ બાદ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે અને ઘણા વિસ્તારો હજુ અંધકારમાં જ છે. સરકારી ટીવી એનએચકેના રિપોર્ટમાં જણાવાયું છે કે, અત્સુમી શહેરની પાસે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થયા બાદ 10 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ભૂકંપના કારણેહોક્કાઇડો વિસ્તારમાં મેટ્રો સર્વિસ પણ પ્રભાવિત થઇ છે. ભૂકંપથી હોક્કાઇડો અને ન્યૂ ચિટોસ એરપોર્ટને પણ નુકસાન પહોંચ્યું છે.  આ બંને એરપોર્ટ પર ગુરૂવારે ઓપરેશન બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

જાપાનમાં મંગળવારે જેબી વાવાઝોડાંથી ભારે વિનાશ સર્જાયો હતો.  જાપાનમાં છેલ્લા 25 વર્ષમાં આવેલા સૌથી શક્તિશાળી વાવાઝોડામાં  10 લોકોનાં મોત થયા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વાવાઝોડાંથી 12 લાખ લોકોને અસર થઈ છે ત્યારે હવે ભૂકંપ આવતાં લોકોની તકલીફો વધી છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top