બોટાદઃ રાણપુરમાં વીજચોરી પકડવા દરોડા, 3.50 લાખનો દંડ વસૂલાયો

દરોડામાં 33 જગ્યાએ ગેરરીતી કરીને ચોરી કરાતું હોવાનું પકડાયું

રાણપુરઃ બોટાદ જિલ્લાના રાણપુર સબ ડીવીઝન હેઠળ આવતાં ગામડાંમાં વ્યાપક પ્રમાણમાં વીજ ચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવતાં પડાયેલા દરોડામાં 3.50 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે. આ ઉપરાંત લાખો રૂપિયાનાં બાકી વીજ બિલો પણ ભરાવાયાં છે.

વીજચોરીની ફરિયાદોના પગલે રાણપુર સબ ડિવિઝનમાં શુક્રવારે સવારે 5 વાગ્યાથી કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવ શરૂ કરાયું હતું અને વીજ કંપનીની ટીમો ત્રાટકી હતી.  ઉના, ધોળા, બોટાદ, ધંધુકા, લીંબડી, ગઢડા, ધાંગધ્રા, સુરેન્દ્રનગરથી આવેલી 11 ટીમોએ રાણપુર તાલુકાના બુબાવાવ, રાજપુરા, કુંડલી, પાણવી, અણીયાળી કાઠી વિગેરે ગામડાંમાં દરોડા પાડ્યા હતા. 

આ દરોડા દરમિયાન  ઘર વપરાશનાં 140 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યાં હતાં. આ પૈકી 33 જગ્યાએ અલગ અલગ પ્રકારની ગેરરીતી કરીને ચોરી કરાતું હોવાનું પકડી પડાયું હતું. કંપનીની ટીમોએ સ્થળ પર જ રૂપિયા 3.50  લાખનો દંડ ફટકારીને સ્થળ પર જ દંડ વસૂલાયો હતો. વીજ કંપનીની આ ડ્રાઈવથી વીજચોરી કરનારામાં ફફડાટ ફેલાયો છે.
 
આ વીજ દરોડા બોટાદ કાર્યપાલક ઈજનેર એ.એ.જાડેજાની સૂચનાથી પાડવામાં આવી હતી. રાણપુર ડી.ઈ. એન.એન.અમીને આ વિસ્તારમાં વીજચોરી શૂન્ય ટકા પર લાવવાની જાહેરાત કરી છે. તેમણે  કહ્યું છે કે,  જ્યાં સુધી વીજચોરી સંપુર્ણ નાબુદ ન થાય ત્યાં સુધી દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે. 

એક વાર ઘરવપરાશનાં કનેક્શન ચેક થઈ જાય પછી ફેક્ટરીઓ અને ખેતીવાડીનાં વીજ કનેક્શનો પણ ચેક કરવામાં આવશે. આ સ્થળે વીજચોરી કરાતી હશે તો તેમની પાસેથી પણ દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top