હાર્દિક પટેલ ઉપવાસ મામલોઃ 24 કલાકમાં સાડા ચાર કિલો વજનમાં ઘટાડો</p>

ઉપવાસના13મા દિવસે હાર્દિકને ચાલવામાં અને જાતે ઉભા થવામાં પણ તકલીફ પડવા માંડી હતી

જન મન ઈન્ડિયા- સંવાદદાતા   

અમદાવાદઃ આમરણાંત ઉપવાસને કારણે હાર્દિક પટેલ અશક્ત બની ગયો છે. આજે  ઉપવાસના13મા દિવસે હાર્દિકને ચાલવામાં અને જાતે ઉભા થવામાં પણ તકલીફ પડવા માંડી છે.

આજે ગુરૂવારે સવારે  હાર્દિકને ટોઈલેટમાં લઈ જવા માટે પણ ઉપવાસ છાવણીમાંથી વ્હીલચેર પર બેસાડીને બહાર લાવવામાં આવ્યો હતો. અશક્તિને કારણે હાર્દિકને ઉભા થવામાં પણ મિત્રોની મદદ લેવી પડી હતી. સતત ઉપવાસને કારણે 12દિવસમાં હાર્દિક પટેલનું વજન 16કિલોગ્રામ ઘટી ગયું છે. હાર્દિકનું વજન અત્યારે 62 કિલો થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં હાર્દિકના વજનમાં સાડા ચાર કિલોનો ઘટાડો થયો છે.

જ્યારે બીજી તરફ હાર્દિક પટેલે ફરી પાણીનો ત્યાગ કરવાની ચીમકી આપી છે. સતત 12દિવસ સુધી ઉપવાસ બાદ પણ સરકારે હાર્દિક સાથે વાતચીતની પહેલ ન કરતાં‘પાસ’એ ચીમકી આપી છે કે, જો સરકાર 24 કલાકમાં વાતચીત શરૂ નહીં કરે તો હાર્દિક પટેલ ફરીથી જળનો ત્યાગ કરશે.

આ પહેલાં પણ હાર્દિક પટેલે જળનો ત્યાગ કર્યો હતો પરંતુ અનેક લોકોની સમજાવટ બાદ હાર્દિક પટેલે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીના હાથે પાણી પી લીધું હતું. સોલા સિવિલની ડોક્ટરની ટીમ દ્વારા ગુરૂવારે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેનું વજન પણ કરાયું હતું. હાર્દિકનું વજન 62કિલો નોંધાયું હતું.

હાર્દિકના ઉપવાસના 13મા દિવસે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં છે. રૂપાણીની વડાપ્રધાન મોદી સાથે ઘણાં મુદ્દા પર ચર્ચા થઈ શકે છે. આ પૈકી એક મુદ્દો હાલમાં રાજ્યમાં ચાલી રહેલા હાર્દિકના ઉપવાસનો પણ છે. આ મુદ્દે મોદી સાથે ચર્ચા કર્યા પછી મુખ્યમંત્રી રૂપાણી કોઈ નિર્ણય લે તેવી શક્યતા છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top