બોટાદ: 15 પરિવારોની હિજરત, બગોદરા હાઈવે પર ધામા નાખ્યા

ઓછા વરસાદને કારણે ઘણા જીલ્લાઓમાં સર્જાઈ દુષ્કાળ જેવી સ્થિતિ

બોટાદઃ ગુજરાતમાં ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઓછા વરસાદ પડતાં ઘણા જીલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. બોટાદ જિલ્લામાં પણ આ જ હાલત છે અને માલધારીઓને પાણી, તથા ધાસચારો મળતાં નથી. માલધારીઓના પશુઓને ઘાસચારો અને પાણી ન મળતાં બોટાદ જીલ્લાના ખાંખોઈ, પાટી એ બે ગામના 15 પરિવારોએ પોતાનાં ૩૦૦ પશુઓ સાથે હિજરત કરી છે. આ પરિવારોએ બગોદરા હાઈવે પર આવેલ મીણગઢ ગામ પાસેની પડતર જગ્યામાં ધામા નાંખ્યા છે.

બાવળા મામલતદાર અને ટીડીઓએ આ પરિવારોની મુલાકાત લીધી હતી પરંતુ બગોદરા વિસ્તારને રાજ્ય સરકારે અછતગ્રસ્ત જાહેર ન કર્યો હોવાથી પાણીની વ્યવસ્થા કે ઘાસચારાનો ડેપો શૂ કરવા મુદ્દે હાથ ઉંચા કરી દીધા હતા. તેમણે અત્યારે કોઈ વ્યવસ્થા કરી શકાય તેમ નથી તેવું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

આ અંગે ધોળકા નાયબ કલેકટર ધવલ જાનીએ જણાવ્યું કે, બોટાદના માલધારીઓ બગોદરામાં આવ્યાં છે તેની જાણ થતાં મામલતદારને તપાસ કરી રીપોર્ટ કરવા કહ્યું છે અને જરૂરી વ્યવસ્થા કરી આપવામાં આવશે. બીજી બાજુ માલધારીઓએ જણાવ્યું કે, સરકારે કોઈ વ્યવસ્થા નહીં થાય તેમ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, સરકાર દ્વારા બગોદરા હાઈવે પર વ્યવસ્થા કરવામાં નહીં આવે તો નાછૂટકે વડોદરા તરફ જવું પડશે.

બીજી તરફ કચ્છ જિલ્લામાં પાણી અને ઘાસચારાની અછત સર્જાતા લખપત તાલુકાના મુરચબાણા, રાવરાસર અને કલરવાઢ એમ ત્રણ ગામોના 35 પરિવારના 200 લોકો પોતાનાં 2000 ઢોર સાથે હિજરત કરીને લીંબડીના જનસાળીમાં આશ્રિત થયા છે. આ હિજરતના કારણે 30 જેટલાં બાળકો ભણતરથી અળગા થયાં છે જયારે 2000 થી વધુ ઢોર ઘાસચારા અને પાણી માટે વલખાં મારી રહ્યા છે. પંદર દિવસથી આ પરિવારો સહાયની રાહ જોઈ રહ્યા છે પણ તંત્રને હિજરતી લોકો વિશે જાણ જ નથી.

Share This:  

Recent Comments

Leave Comments

Top