મારા શરીરથી કંટાળી ગયો છું સોરી મમ્મી-પપ્પા...

ગળે ફાંસો ખાઇ યુવકે કરી આત્મહત્યા

અમદાવાદ: મૂળ લુણાવાડાનો અને અમદાવાદમાં એલેન ઈન્સ્ટિટ્યૂટમાં NEETની તૈયારી કરી રહેલા એક યુવકે પોતાના પાતળા શરીરથી કંટાળી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. 

લુણાવાડાના નાના વાડોદર ગામનો વતની 19 વર્ષીય ગૌરાંગ વણકર એલેન ઇન્સ્ટિટયૂટમાં નીટની તૈયારી કરવા અમદાવાદ આવ્યો હતો. ગૌરાંગ થલતેજમાં આવેલી મેનકા સોસાયટીમાં અન્ય છોકરાઓ સાથે પીજીમાં રહેતો હતો. 

ગૌરાંગ શરીરે પાતળા બાંધાનો હતો. જેના કારણે તેની  જાડા થવાની દવા પણ ચાલતી હતી. આટલી દવા કર્યા બાદ પણ ગૌરાંગના પાતળા બાંધામાં કોઇ ફેરફાર આવ્યો ન હતો અને તેના પાતળા બાંધાને લઇને ગૌરાંગના મિત્રો તેમજ સાથે અભ્યાસ કરતા લોકો તેની મજાક ઉડાવતા હતા. જેથી તેના પાતળા બાંધાને કારણે કંટાળીને ગૌરાંગે 5 નવેમ્બરે રાત્રે તેના રૂમના પંખા સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. 

આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગૌરાંગના માતા- પિતાને જાણ કરાઇ હતી. આત્મહત્યા કરતા પહેલા ગોરાંગે તેના માતા - પિતા માટે ચિઠ્ઠી લખી હતી. 

જેમાં તેણે જણાવ્યુ હતું કે, હું મારા શરીરથી કંટાળી ગયો છું અને તેના કારણે હું ડિપ્રેશનમાં આવી ગયો છું તેમાંથી કેવી રીતે બહાર નિકળવુ મને ખબર ન હતી. જેને કારણે હુ આત્મહત્યા કરી રહ્યો છું, મને માફ કરી દેજો મમ્મી-પપ્પા. આ અંગે પોલીસે તેની સાથે રૂમમાં રહેતા પાર્ટનર તેમજ અન્ય છોકરાઓની પણ પુછપરછ કરી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top