કવિ વિનોદ જોશીને આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ એનાયત

ગુજરાતીના જાણીતા કવિઓ આ એવોર્ડથી થયા છે સન્માનિત

જૂનાગઢઃ ગુજરાતી સાહિત્યમાં કાવ્ય ક્ષેત્રે સૌથી મોટો ગણાતો ‘આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ’ વર્ષ 2018 માટે ગુજરાતી ભાષાના સુવિખ્યાત કવિ વિનોદ જોશીને અર્પણ કરાયો છે. શરદ પૂર્ણિમાએ જૂનાગઢ ખાતે કથાકાર મોરારિ બાપુના વરદ હસ્તે કવિ વિનોદ જોશીનું રૂપિયા એક લાખ એકાવન હજારની રકમ, નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા, શાલ અને સન્માનપત્રથી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિનોદ જોશીના તાજેતરમાં લખાયેલા સાત સર્ગ અને 1800 પંકિતના પ્રબંધકાવ્ય ‘સેરન્ધ્રી’નું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી તેમજ અન્ય સાહિત્યકારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ  કાર્યક્રમ આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ દ્વારા જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલી રૂપાયતન સંસ્થામાં યોજાયો હતો. આ અગાઉ રાજેન્દ્ર શાહ, મકરંદ દવે, અમૃત ઘાયલ, સુરેશ દલાલ, ભગવતીકુમાર શર્મા, રમેશ પારેખ વગેરે ગુજરાતીના જાણીતા કવિઓ આ એવોર્ડથી સન્માનિત થયા છે.

વિનોદ જોશીને આ પહેલાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રૂપિયા એક લાખના સાહિત્યગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત એમને કવિશ્વર દલપતરામ એવોર્ડ, કવિશ્રી ઉમાશંકર જોશી એવોર્ડ, ઝવેરચંદ મેઘાણી એવોર્ડ, ક્રિટીકલ એવોર્ડ, તેમજ આ વર્ષે જ ઇન્ડિયન નેશનલ થિયેટરના કલાપી એવોર્ડ અને ભારતીય વિદ્યાભવનના સમર્પણ સન્માનથી પણ પુરસ્કૃત કરવામાં આવ્યા છે. 

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના પ્રાધ્યાપક,  અધ્યક્ષ,  ડીન અને કુલપતિપદે તેમણે સેવાઓ આપી છે. હાલમાં જોશી દિલ્હીમાં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી તેમજ પશ્ચિમ ભારતીય ભાષાઓના કન્વિનર તરીકે કાર્યરત છે. ગુજરાતી સુગમ સંગીત તેમનાં ગીતોથી સમૃધ્ધ છે. સંસ્કૃત અને માત્રા મેળ છંદોમાં લખાયેલા તેમનાં દીર્ઘ કાવ્યો અને સોનેટ ઉચ્ચ કક્ષાની કવિતા તરીકે નોંધપાત્ર છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top