અમદાવાદઃ 80 લાખની ફોર્ડ મસ્ટાંગ કાર બાદ પોલીસે હવે 70 લાખની BMW કરી જપ્ત

ટ્રાફિક નિયમ તોડનારા નબીરા સામે પોલીસની લાલ આંખ

અમદાવાદઃ રાજ્યભરમાં 1 નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલ શરૂ થયો છે. ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોને તોડતા વાહન ચાલકોને નવા દંડ સાથે ધડાધડ મેમો ફટકારી રહી છે. નિયમ ભંગ કરતા લોકોને પકડીને તેમની પાસેથી તોતિંગ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.  ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં ડ્રાઇવ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ પરથી ટ્રાફિક પોલીસે વધુ એક લકઝરી કારને ડિટેઇન કરી હતી. 

મળતી માહિતી અનુસાર, ટ્રાફિક પોલીસ દ્રારા સિંધુ ભવન રોડ પર એક ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ દરમિયાન ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ અને યોગ્ય દસ્તાવેજ ન હોવાને લીધે 70 લાખ રૂપિયાથી વધુની કિંમતની BMW હાઇટેક કારને ડિટેઇન કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, બુધવારે પણ સિંધુભવન રોડ પરથી જ ટ્રાફિક પોલીસે 80 લાખ રૂપિયાથી વધુની કિંમતની "JADEJA" લખેલી એક કારને નંબર પ્લેટ અને યોગ્ય કાગળો ન હોવાને લીધે ડિટેઇન કરી હતી. આ કાર્યવાહી અંગે પોલીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી માહિતી આપી હતી. જે બાદ લોકોએ અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરી બિરદાવી હતી.   

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરુ થયો હતો, પરંતુ હેલ્મેટ અને પીયુસી માટે લોકોને ભારે હાલાકી પડી રહી હોવાનું ધ્યાને આવતા સરકાર દ્વારા એક મહિનાની છૂટ આપવામાં આવી હતી. આ છૂટ પૂર્ણ થયા બાદ લાભપાંચમથી જ નવા નિયમોનો અમલ શરુ કરી દેવાયો છે.

નવા નિયમ અનુસાર દરેક વાહનચાલકે લાયસન્સ, પીયુસી, વીમો તેમજ આર.સી બુક પોતાની સાથે રાખવી ફરજિયાત છે. ડીજી લોકરમાં રહેલા પુરાવા પણ માન્ય છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top