કુંદનિકા કાપડિયા, વીનેશ અંતાણીને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમીનું નર્મદ પારિતોષિક

વીનેશ અંતાણી ગુજરાતના જાણીતા સર્જક

ભુજ: મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક મંત્રાલયના મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2016નું ‘કવિ નર્મદ સાહિત્ય પારિતોષિક’ આપવા  માટે ગુજરાતના જાણીતા નવલકથાકાર અને વાર્તાકાર વીનેશ અંતાણીની પસંદગી કરાઈ છે જ્યારે વર્ષ 2015 માટે કુંદનિકા કાપડિયાની પસંદગી કરાઈ છે.

આ પારિતોષિકમાં રૂપિયા 51,000 રોકડા, સન્માનપત્ર તથા સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવશે. આ માટેનો ખાસ સમારંભ આગામી 29 ઓક્ટોબરે તારીખે મુંબઇમાં સમ્પી ઓડિટોરિયમ, મલાડ ખાતે સાંજે 7.30 કલાકે યોજાશે. 

અકાદમી દ્વારા પુરસ્કૃત અન્ય સર્જકોમાં જીવન ગૌરવ પુરસ્કાર વર્ષ 2015 માટે જવાહર બક્ષી (સાહિત્ય), અરવિંદ જોશી (કળા), કિશોર દવે (પત્રકારત્વ) તથા ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્રની પસંદગી કરાઇ છે આ જ પુરસ્કાર માટે વર્ષ 2016માં ડો. નલિની મડગાંવકર (સાહિત્ય), છેલ-પરેશ (કળા), શશિકાંત વાસાણી (પત્રકારત્વ) તથા ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાનની પસંદગી કરાઇ છે.

વીનેશ અંતાણી ગુજરાતના જાણીતા સર્જક છે. પ્રિયજન, નગરવાસી, પલાસવન અને આસોપાલવ જેવાં સર્જનથી જાણીતા આકાશવાણીના નિવૃત્ત કેન્દ્ર નિયામક વીનેશ અંતાણીને અગાઉ અનેક પારિતોષિક અને એવોર્ડ મળ્યા છે. એમની પ્રથમ પાંચ નવલકથાઓને ગુજરાત સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તકો માટેનાં પારિતોષિક મળ્યાં છે.  

તેમના સર્જન `ધૂંધભરી ખીણ'ને વર્ષ 2000માં દિલ્હી સાહિત્ય અકાદમીનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. સમગ્ર સર્જન માટે 2009માં દર્શક ફાઉન્ડેશન દ્વારા `દર્શક' એવોર્ડ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 2010માં ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરાયો હતો.

Share This:  

Recent Comments

Leave Comments

Top