Jioએ દિવાળી પર ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો

Jioથી અન્ય નેટવર્ક પર વાત કરવા માટે કરાવવું પડશે રિચાર્જ

રિલાયન્સ જિઓએ તેના ગ્રાહકોને મોટો આંચકો આપતા કોલિંગ માટે પૈસા લેવાની જાહેરાત કરી છે. જિઓ ગ્રાહકોને હવે ફોન પર વાત કરવા માટે પૈસા ચૂકવવા પડશે. જિઓના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, જિઓના ગ્રાહકોને બીજી કંપનીના નેટવર્ક પર કોલ કરવા માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે, જો કે જિઓથી જિઓના નેટવર્ક પર કોલ કરવો તે પહેલાની જેમ મફત હશે.

તે જ સમયે, જિઓએ કહ્યું છે કે તે તેના 35 કરોડ ગ્રાહકોને ખાતરી આપે છે કે આઉટગોઇંગ ઓફ-નેટ મોબાઇલ કોલ્સ પર પ્રતિ મિનિટ 6 પૈસાની ફી ફક્ત ત્યાર સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ટ્રાઇ તેના વર્તમાન નિયમો અનુસાર આઇયુસીને સમાપ્ત કરશે નહીં. અમે તમામ ડેટા TRAIસાથે શેર કરીશું જેથી તે સમજી શકે કે શૂન્ય IUC  વપરાશકર્તાઓના હિતમાં છે.

હાલમાં  IUCની ફી 6 પૈસા પ્રતિ મિનિટ છે

જણાવી દઇએ કે, આ સમગ્ર બાબત ઇન્ટરકનેક્ટ વપરાશ ચાર્જથી સંબંધિત છે. આઈયુસી એ એક મોબાઇલ ટેલિકોમ ઓપરેટર દ્વારા બીજાને ચૂકવવામાં આવતી રકમ છે. જ્યારે એક ટેલિકોમ ઓપરેટરના ગ્રાહકો બીજા ઓપરેટરના ગ્રાહકોને આઉટગોઇંગ મોબાઇલ કોલ્સ કરે છે, ત્યારે IUCએ કોલિંગ ઓપરેટરને ચુકવવું પડે છે. બે જુદા જુદા નેટવર્ક વચ્ચેના આ કોલ્સને મોબાઇલ ઓફ-નેટ કોલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આઈ.યુ.સી. ચાર્જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે અને હાલમાં તે પ્રતિ મિનિટ 6 પૈસા છે.

જિઓ નેટવર્ક પર દરરોજ આવે છે 40 કરોડ મિસ્ડ કોલ્સ 

એરટેલ અને વોડાફોન-આઇડિયાના 35-40 કરોડ 2G ગ્રાહકો જિઓ નેટવર્ક પર ફ્રી વોઈસ કોલિંગ અને 2જી નેટવર્ક પર અતિશય ટેરિફને કારણે જિઓ ગ્રાહકોને મિસ્ડ કોલ્સ આપે છે. જિઓ નેટવર્કને દરરોજ 25થી30 કરોડ મિસ્ડ કોલ્સ આવે છે. 

બહાર પાડ્યા 10થી 100 રૂપિયા સુધીના પ્લાન 

જિઓ અન્ય કંપનીઓના નેટવર્ક પર કોલ કરવા માટે 10થી 100 રૂપિયા સુધીના ટોપ અપ વાઉચર્સ પણ બહાર પાડશે. 10 રૂપિયાના પ્લાનમાં બીજા નંબર પર 124 મિનિટ કોલિંગ કરી શકાય છે. તે જ સમયે, 20 રૂપિયાના પ્લાનમાં 249 મિનિટ, 50 રૂપિયાના પ્લાનમાં 656 મિનિટ અને 100 રૂપિયાના પ્લાનમાં 1,362 મિનિટ કોલિંગ કરી શકાય છે.

ટોપ વાઉચરના બદલામાં ગ્રાહકોને મળશે ફ્રી ડેટા

તે જ સમયે જિઓ તેના ગ્રાહકોને આ ટોપના વાઉચરના બદલામાં મફત ડેટા આપી રહી છે. 10 રૂપિયાના પ્લાન સાથે 1 જીબી ડેટા, 20 રૂપિયાવાળા પ્લાન સાથે 2 જીબી ડેટા, 50 રૂપિયાવાળા પ્લાન સાથે 5 જીબી ડેટા અને 100 રૂપિયાવાળા પ્લાન સાથે 10 જીબી ડેટા મળશે.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top