પોરબંદરથી દિલ્હી સુધી 1400 કિલોમીટર લાંબી ગ્રીન વોલનું થશે નિર્માણ

26 મિલિયન હેકટર જમીનને પ્રદૂષણ મુક્ત કરવાનું લક્ષ્ય

કેન્દ્ર સરકારે દેશમાં પર્યાવરણના સંરક્ષણ અને હરિત ક્ષેત્રને વધારવા માટે 1400 કિલોમીટર લાંબી ‘ગ્રીન વોલ’ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. આફ્રિકામાં સેનેગલથી જિબુતી સુધી બનેલા એક હરિયાળી પટ્ટીના તર્જ પર ગુજરાતથી લઇ દિલ્હી-હરિયાણાની સરહદ સુધી ‘ગ્રીન વોલ ઓફ ઇન્ડિયા’ને વિકસિત કરાશે. 

તેની લંબાઇ 1400 કિલોમીટર જ્યારે પહોળાઇ 5 કિલોમીટર હશે. આફ્રિકામાં ક્લાઇમેટ ચેન્જ અને વધતા રણને ઉકેલવા માટે હરિયાળી પટ્ટીને તૈયાર કરાય છે. તેને ‘ગ્રીન વોલ ઓફ સહારા’ પણ કહેવાય છે. હજુ આ વિચાર શરૂઆતના તબક્કામાં છે, પરંતુ કેટલાંય મંત્રાલયના અધિકારી તેને લઇ ખાસ્સા ઉત્સાહિત છે. જો આ પ્રોજેક્ટ પર મ્હોર લાગે છે તો આ ભારતમાં વધતા પ્રદૂષણને રોકવા માટે ભવિષ્યમાં પણ એક મિસાઇલની જેમ હશે. 

પશ્ચિમમાંથી આવતી ધૂળને રોકવા માટે કરશે મદદ

તેને થાર રણના પૂર્વ તરફ વિકસિત કરાશે. પોરબંદરથી લઇ પાનીપત સુધી બનનાર ગ્રીન બેલ્ટથી ઘટતા વનક્ષેત્રમાં વધારો થશે. આ સિવાય ગુજરાત, રાજસ્થાન, હરિયાણાથી લઇ દિલ્હી સુધી ફેલાયેલ અરવલ્લીની પર્વતમાળાઓમાં ઘટતા હરિયાળીના સંકટનો પણ ઘટાડો કરી શકાશે.

આ ગ્રીન વોલના નિર્માણથી પશ્ચિમ ભારત અને પાકિસ્તાન તરફથી દિલ્હી આવનારી ધૂળવાળી હવાઓને રોકવા માટે મદદ મળશે. એક અધિકારીએ જણાવ્યું કે, ભારતમાં ઘટતા જતા જંગલ અને વધતા રણને રોકવાનો આ વિચાર તાજેતરના યુકત રાષ્ટ્રની કોન્ફરન્સ (સીઓપી 14) માં આવ્યો છે. તેમ છતાં, મંજૂરી માટે હજી આ વિચાર અંતિમ તબક્કામાં છે

2030 સુધીમાં કામ પૂરું કરવાનું લક્ષ્ય

આફ્રિકામાં ‘ગ્રેટ ગ્રીન વોલ’ પર અંદાજે એક દાયકા પહેલાં કામ શરૂ થયું હતું. જો કે કેટલાંય દેશોની ભાગીદારી હોવી અને તેની અલગ-અલગ કાર્યપ્રણાલીના લીધે હજુ પણ તે હકીકતમાં બદલાય શકયું નથી. ભારત સરકાર આ આઇડિયાને 2030 સુધીમાં રાષ્ટ્રીય પ્રાથમિકતામાં રાખીને જમીન પર ઉતારવાનું વિચારી રહી છે. તેના અંતર્ગત 26 મિલિયન હેકટ જમીનને પ્રદૂષણ મુકત કરવાનો લક્ષ્ય છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top