વરસાદ માટે દેડકા-દેડકીને પરણાવે અને વરસાદ અટકાવવા છૂટાછેડા અપાવે

નોંધઃ તા.01-10-2019ના રોજ ગુજરાતમાં અગ્રણી દૈનિક ગુજરાત સમાચારના લેખક અક્ષય અંતાણીનો આ લેખ વાંચકોને માહિતીપ્રદ બની રહે તે હેતુથી અહીં રજુ કર્યો છે- 'જન મન ઈન્ડિયા'

ઘણાં પ્રેમલગ્ન ત્રિઅંકી નાટક જેવા હોય છે, પહેલાં પ્રેમમાં પડે ત્યારે શરૂ થાય છેડછાડ, પછી પ્રેમી પંખીડા  પરણે ત્યારે  બંધાય છેડાછેડી અને પછી જો  સંસારમાં  સાર ન રહે અને એકબીજા ઉપર વાર થવા માંડે  ત્યારે છૂટાછેડા થતા હોય છે. આમ ત્રિઅંકી  નાટક પૂરૂં થાય છેડછાડ, છેડાછેડી અને છેવટે છૂટાછેડા.

ભાઇ અને ભાભીના સંસારમાં  પડે  ભાગલા  અને છૂટા પડતી વખતે ભાભી કહેશે ભાઈને કે હવે ભાગ-લા. હું છૂટાછેડા પુરાણ સંભળાવતો હતો ત્યાં તો પથુકાકા  ક્યાંકથી વળી હિન્દી છાપું લઈને આવી ચડયા. મારી સામે છાપું ધરી બાપુ બોલ્યા 'આ જો દેડકા-દેડકીની છબી. તું  સ્ત્રી-પુરૂષના છૂટાછેડાની વાત માંડીને  બેઠો છે, પણ આ વાંચ મધ્ય પ્રદેશમાં  દેડકા-દેડકીના છૂટાછેડા થયા. ઓલુ અંગ્રેજીમાં કહે છે ને ડાઈવોર્સ કે ડિવોર્સ... ઈ થયું ખબર પડી કે નહીં.'

મેં છાપામાં દેડકા-દેડકી દંપતીના  ફોટા જોઈને  પૂછ્યું  કે 'કાકા આ શું મામલો છે? તમે જ કહી દો ને હવે?  પથુકાકા જાણે પોતાના  છૂટાછેડા  થયા હોય એવા ઉત્સાહ સાથે બોલ્યા ' જાણે વાત એમ છે કે જ્યારે વરસાદ બહુ ખેંચાયને ત્યારે એવી માન્યતા  છે કે  જો દેડકા-દેડકીને ધામધૂમથી  પરણાવવામાં  આવેને તો ઈન્દ્રરાજા બહુ રાજી થાય અને દેડકા-દંપતી ઉપર ખૂબ ખૂબ મેઘાશીર્વાદ  વરસાવે. હવે  ભોપાલમાં જ્યારે  જુલાઈ સુધી વરસાદ ન પડયો ત્યારે દેડકા-દેડકીને વિધિવત અને ધામધૂમથી પરણાવવામાં આવ્યા. થોડા  દિવસમાં જ બારે મેઘ  ખાંગા થઈને વરસવા માંડયા.  ગાંડોતૂર વરસાદ પડવા માંડતા ચારે તરફ  પૂર આવ્યું.

ઠેકઠેકાણે  જળબંબાકાર સ્થિતિ સર્જાઈ  ઘરો તણાઈ ગયા, ઢોર તણાઈ ગયા, જાન-માલની પારાવાર નુકસાની  થઈ વરસાદ બંધ પડે એ માટે  મેધરાજાને વિનવણી કરવા માંડયા. પણ આ વાદળામાં  નળી થોડા જ ગોઠવેલા છે કે  ગમે ત્યારે  બંધ થાય? તો હવે આનો ઉપાય  શું? ત્યારે કેટલાક વડીલોએ કહ્યું કે વરસાદ વરસે એ માટે દેડકા-દેડકીને પરણાવ્યા હતા, એ દેડકા-દેડકીને છૂટાછેડા  અપાવો તો વરસાદ બંધ થઈ જાય.

બધાને ગળે વાત ઉતરી ગઈ. પણ મુશ્કેલી એ થઈ કે જે દેડકા-દેડકી દંપતીને  પરણાવીને  સંસારના  રસ્તે મૂકી દીધેલા એને ગોતવા  કંઈ રીતે?  એ તો  માણસ જેમ જોગીંગ કરે એમ આ કપલ ફ્રોગીંગ કરતું ક્યાંય નીકળી ગયું હશે. એટલે લોકોએ માટીના દેડકા અને દેડકી તૈયાર કર્યા અને તેને વિધિવત્ છૂટાછેડા અપાવ્યા.'

આ દેડકા દંપતીના  ડાઈવોર્સની  વાત સાંભળી પથુકાકાને  કહ્યું કે  પ્રેમસંબંધ અને પરણસંબંધમાં  આવું છે. નવા નવા લગન  થયા હોય  ત્યારે પ્રેમની  ઝરમર વર્ષા થતી હોય ત્યારની મજા કંઈક ઔર હોય છે પણ પછી  મૌસમ બદલાય અને સતત સામસામા ઝાંપટા પડવા માંડેને ત્યારે આ દેડકા દંપતીની જેમ છૂટાછેડા લીધા સિવાય કોઈ છૂટકો નથી રહેતો.

કાકા બોલ્યા 'ભોપાલમાં પહેલાં દેડકા-દેડકીને  પરણાવી પછી છૂટાછેડા અપાવ્યા તો દક્ષિણ ભારતમાં શું થશે? ત્યાં મેં સાંભળ્યું છે કે વરસાદ પડે માટે ગધેડા-ગધેડીના ધામધૂમથી  લગન કરાવેલા હવે ત્યાં  પણ શું  ગધેડા-ગધેડીને છૂટાછેડા અપાવશે?

મેં કહ્યું માણસ જાત વાત વાતમાં  પ્રેમમાં પડે અને પરણીને પછી નાની વાતમાં તીખારા ઝરે ત્યારે વાત વાતમાં  છૂટા પણ પડે. આમ બાતો બાતો મેં ઈશ્ક અને પછી બાતો બાતોં મેં છૂટા પડવાનું  રિસ્ક.  આવા  જે પીડિતો હોય છે એ પ્રાણીઓને પણ પરણાવીને શું કામ અમથા અમથા દુઃખી કરતા હશે?  કારણ મેં તો  વાંઢાજનક સ્થિતિમાં રહીને  એક જ મંત્ર ગોખી રાખ્યો છે કે  પરણે ઈ સમસ્યાને શરણે. 

પથુકાકા એમનાં વતન જૂનાગઢને યાદ કરી બોલ્યા કે 'આઝાદી પહેલાં અમારા જૂનાગઢના નવાબ કૂતરા-કૂતરીના વાજતેગાજતે  લગન  કરાવતા અને શ્વાન-રાજાની રીતસર બગ્ગીમાં  બેસાડી  બારાત કાઢતા હતા ખબર છે?'

મેં કહ્યું કાકા નવાબ આ કૂતરાને શું કામ પરણાવતા હશે. કાકાએ જવાબ આપ્યો કે નવાબની  કંઈ વાત થાય? એ તો  શ્વાનને શાહી ઠાઠથી  પાળતા અને પરણાવતા પણ ખરા આજના મોડર્ન  જમાનામાં  તો મોટા મોટા  શહેરોની અંદર પાળેલા ડોંગ-ડોગીને  પરણાવતા પહેલાં લગ્ન-પરિચય સામરંભ યોજાય છે એની તને ખબર છે? હવે તો શ્વાનના સમુહ-લગ્નનો પણ દૌર શરૂ થયો છે.

શ્વાનના લગ્ન લેવાય  ત્યારે બેન્ડવાળા સૂરાવલી રેલાવે છે 'ભસતા હુઆ નૂરાની  ચહેરા કાલી ઝુલ્ફે રંગ સુનેહરા રમૈયા વસ્તા વૈયા 'વરજી' ભસતા  ગયા... ભસતે ભસતે મેરે યે ગીત  યાદ રખના કભી અલવિદા ના કહના (ગમે એટલી બોલાચાલી કે રાડારાડ થાય છૂટા ન પડવું) 'ભસને' કી  ચાહને ઈતના મુઝે રૂપિયા હૈ  કોઈ હમ-દમ હી નહીં દર્દ મેરા સાયા હૈ... કાટે નહીં કરતે દિન યે રાત... 'ભસના' ઐ ભસીનો લો મૈં આ ગયા... પલ દો પલ કા 'લાત' હમારા પલ દો પલ કા યારાના હૈ...

પથુકાકા બોલ્યા 'મને વિચાર આવે છે કે આ પાળેલા અને પંપાળેલા શ્વાનને ઘણાં પરણાવે છે એમ શેરીના  કૂતરાને કોઈ કેમ નહીં પરણાવતું હોય? મેં કહ્યું કાકા એ બધા વગર પરણેય કૂતરા જેવું જ જીવન જીવતા હોય છેને? '

કાકા કહે કે માણસ-જાત છે એ બહુ અવળચંડી   છે. પ્રાણી અને પશુ જગત પાસેથી હસવાને બદલે ભસવાનું, ગરજ પડે ત્યારે  ચાટવાનું અને લાગ મળે ત્યારે  કાટવાનું  વાતમાંને માતમાં  લાતમલાત  કરવા માંડવાનું આ બધુ શીખે છે અને માણસના જે પરણવા જેવાં રિવાજો છે એમાં  કૂતરા, ગધેડા અને બાકી હતું કે દેડકાંને  ફસાવે છે. અમે મારા ભાઈ પ્રાણીઓને છૂટથી રહેવા દોને? ભલેને  લીવ-ઈન રિલેશનમાં  મજા કરે? પ્રાણીઓને માણસ પરણાવા દોડે છે  અને પોતે હવે લીવ-ઈન-રિલેશનમાં  રહેવાનું પ્રાણીપાસેથી શીખ્યો છે.'

મેં કહ્યું કાકા લીવ-ઈન-રિલેશનનું  મોટું સુખ શું  છે  ખબર છે? છેડા બાંધ્યા જ ન હોય એટલે  પછી  છૂટાછેડાની કોઈ માથાકૂટ જ નહીંને?'

કાકા બોલ્યા 'આ ગધેડા ગધેડીએ લીવ-ઈન-રિલેશનમાં રહે ભેગા ચરે, ભેગા વિસરે, ભેગા ભાર વેંઢારે એમાં વળી ક્યારેક અંદરોઅંદર લાતમલાત પણ થઈ જાય. વળી થોડીવારમાં  બધું ભૂલીને ટેસથી ચાઈનીઝ સોંગ હોંચી... હોંચી... હોંચી ગાવા માંડે. બાત એક લાત કી ફિર બાત સબકે સાથ કી...'

મેં કહ્યું કાકા તમારી  વાત સાવ સાચી છે એક વાત સાંભળો એક શાદી અને બીજી ગાદી છૂટાછેડાનું  મુખ્ય કારણ હોય છે.

કાકાએ સવાલ કર્યો કંઈ રીતે?'  મેં કહ્યું ધ્યાનથી  સાંભળો છૂટાછેડાનું  મુખ્ય કારણ શાદી છે બરાબરને? એવી જ સરીતે  રાજકારણના માંડવે ચૂંટણી આવે ને ત્યારે ગાદી  મેળવવાની  લ્હાયમાં  કેટલાય નેતાઓ પોતાની પાર્ટી સાથે  છેડો ફાડી  સત્તાધારી પાર્ટીમાં  જોડાઈ જતા હોય છે. એટલે આ ગાદીઘેલાઓ બસ એટલું જ સમજે છે કેઃ

જેની થાળીમાં પેડા

ત્યાં અડાડો છેડા

નીતિમત્તા નેવે મૂકી

જૂની પાર્ટીને  આપો છૂટાછેડા.

Share This:  

Recent Comments

Leave Comments

Top