CM રૂપાણીએ પત્ની સાથે મંગળા આરતી કરી ભાદરવી પૂનમના મેળાનો કરાવ્યો પ્રારંભ

‘બોલ માડી અંબે… જય જય અંબે…’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું મંદિર

અંબાજીઃ મુખ્યમંત્રી વિજય રુપાણીએ તેમના પત્ની અંજલીબેન સાથે વહેલી સવારે અંબાજી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને અહીં તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેમણે માતાજીના મંદિર ઉપર ધજા ચઢાવી હતી અને ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મુક્યો હતો. 

શક્તિ ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી ખાતે સી.એમ વિજય રૂપાણી આજે તેમના પત્ની અંજલીબેન સાથે વહેલી સવારે આવી પહોંચ્યા હતા અને અહીં તેમણે મંગળા આરતી કરી માતાજીના  મંદિર ઉપર ધજા ચઢાવી હતી અને મહામેળાનું ઉદ્ધાટન કર્યું હતું. આ સિવાય માં અંબાના ચાચર ચોકમાં આવેલા હવનમા બેસી આહુતિ આપી હતી.  

ગુજરાતના સૌથી મોટા મેળાઓમાં જાણીતો એવો અંબાજીના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજીમાં ભાદરવી પૂનમનું અનોખું મહત્વ છે. ભાદરવી પુનમે રાજ્ય સહિત દેશમાંથી માઇ ભક્તો ચાલીને માં અંબાના દર્શને આવતા હોય છે. ભાદરવી પૂનમના મેળો આજથી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે, ત્યારે એવું કહેવાય છે કે દર વખતની જેમ પૂનમના મેળામાં અંબા માતાના દર્શનનો લ્હાવો લેવા માટે અંદાજે આ વખતે પણ 30 લાખથી વધુ ભક્તો ઉમટી પડશે.

ઉલ્લેખનીય છે કે, મંદિરના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન સવારે 6.15થી રાત્રીના 1.30 સુધી માં અંબાનાં દર્શન થઇ શકશે. બપોરે 11.30થી 12.30 અને સાંજે 5 થી 7 દરમિયાન દર્શન બંધ રહેશે. 

ભાદરવી પૂનમના મહામેળા માટે અનેક પગપાળા સંઘોનું શનિવારથી જ આગમન શરૂ થઇ ગયું છે. સવારે અંબાજી માતાજીને  શીરાનો બાલભોગ ચઢાવાય છે. બપોરે રાજભોગમાં દાળ, ભાત, પુરી, શાક, મિષ્ઠાન, રાયતુ, પાન સહિત વિવિધ વ્યંજનો સોનાની થાળમાં શ્રદ્ધા સાથે ચઢાવવામાં આવે છે અને સાંજે સાયંભોગ ધરાવાય છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top