સાબરકાંઠાના આ ગામો ઓળખાય છે શિક્ષકોના ગામ તરીકે

જાણો, કેવી રીતે મળી શિક્ષકોના ગામ તરીકેની ઓળખ

દરેક ગામની કોઈ ને કોઈ ખાસિયત હોય છે. ત્યારે સાબરકાંઠા જીલ્લાના હિમતનગર તાલુકામાં આવેલા ૩ અલગ અલગ ગામ ઓળખાય છે શિક્ષકોના ગામ તરીકે. તો કેમ આ ગામોને મળી શિક્ષકોના ગામ તરીકેની ઓળખ અને શી વિશેષતા છે આ ગામોની ? 

દરેક ગામો પોતાની કંઈક આગવી વિશેષતા ધરાવતા હોય છે. ત્યારે સાબરકાંઠા જીલ્લાના હડીયોલ, ગઢોડા અને આકોદરા આ ત્રણ ગામોની પણ એક અનોખી વિશેષતા છે. આ ત્રણ ગામો વિશે એવું કહેવાય છે કે ગુજરાત રાજ્યનો એક પણ તાલુકો એવો નહીં હોય કે જ્યાં આ ત્રણ ગામોના શિક્ષકો ન હોય. હા, માન્યામાં ન આવે પણ આ સાચી વાત છે. કેમ કે આ ગામોની ઓળખ જ શિક્ષકોના ગામ તરીકે છે. હિંમતનગરથી માત્ર ૫ કિલોમીટરના અંતરે આવેલા ત્રિવેણી સંગમ જેવા હડીયોલ, ગઢોડા અને આકોદરા ગામના કોઈ પણ ઘરે તમે જઈને ઉભા રહો તો તમને તે ઘરમાંથી ત્રણથી ચાર શિક્ષકો સહેલાઈથી મળી આવશે.

એક અંદાજ મુજબ જોવા જઈએ તો હડીયોલ ગામના હાલમાં ૭૦૦ વધુ શિક્ષકો આજે ગુજરાતના ખૂણે ખૂણે બાળકોને શિક્ષણ આપી નવી પેઢીને તૈયાર કરી રહ્યા છે. તો ગઢોડા ગામના પણ હાલમાં ૪૦૦થી વધુ અને આકોદરા ગામના ૩૦૦ જેટલા શિક્ષકો ગુજરાતભરમાં શિક્ષણની જ્યોત જલતી રાખી રહ્યા છે. શિક્ષણ મેળવી શિક્ષક બનવું અને અન્યોને શિક્ષણ આપવું એ આ ત્રણ ગામોની ખાસિયત રહી છે. 

જો કે બધા શિક્ષકોને તૈયાર કરવાનો જો કોઈને શ્રેય જતો હોય તો તે શ્રેય જાય છે અહીની વિશ્વ મંગલમ-અનેરા નામની ગાંધીવાદી સંસ્થાને. જે વખતે દીકરીઓને ભણાવવાની પ્રથા જ ન હતી તે વખતે વિશ્વ મંગલમ-અનેરાના સ્થાપક ગોવિંદભાઈ રાવલ અને સુમતિબેન રાવલ ઘરે ઘરે જઈને લોકોને સમજાવ્યા અને દીકરીના શિક્ષણ માટે જાગૃત કર્યા હતા.
 
વર્ષ 1959થી સુમતિબેન રાવલ અને ગોવિંદભાઈ રાવલે આ વિસ્તારમાં શિક્ષણનો પાયો નાખ્યો અને દીકરાઓના શિક્ષણની સાથે સાથે દીકરીઓને પણ શિક્ષણ અપાય તે માટેના પ્રયાસો શરુ કર્યા હતો. ભાજપ સરકાર કરતા પણ પહેલા કન્યા કેળવણીની શરૂઆત આ વિસ્તારમાં થયેલી અને આજે આ ત્રણ ગામોની ૩૦૦થી વધુ દીકરીઓ ગર્વભેર ગુજરાત બહારની શાળાઓમાં શિક્ષિકા તરીકેની ફરજ નિભાવી અનેરામાં મેળવેલા ગાંધીના વિચારો અને શિક્ષણના સિધ્ધાંતો અન્યોને આપી રહ્યા છે.

હાલ આ ગામોમાં શિક્ષકની નોકરી કરતા તો અનેકો છે. પણ સાથે સાથે શિક્ષકની નોકરી કરી રીટાયર્ડ થયેલા લોકોની સંખ્યા પણ ઓછી નથી. વાત કરીએ હડીયોલ ગામના શિક્ષકોની તો આ જ શાળામાં ફરજ બજાવી નિવૃત થનારા ત્રણ શિક્ષકોને તો રાષ્ટ્રપતિના હાથે બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલો છે. શિક્ષણ વિભાગનું માનીએ તો દર મહીને ગુજરાત સરકારનાં ચાર કરોડથી વધુ રકમનો પગાર તો આ ત્રણ ગામોના શિક્ષકોના ખાતામાં જમા થાય છે.

શિક્ષિત થઈને અન્યોને શિક્ષિત કરવા એ આ ત્રણ ગામોનો નિયમ પહેલાથી જ રહ્યો છે અને તે નિયમ મુજબ જ આ ગામોની આવનારી પેઢી પણ એન્જીનીયરીંગ કે ડોકટરી લાઈન લેવાની જગ્યાએ પી.ટી.સી કે બી.એડ કરી શિક્ષકની નોકરી કરવાનું વધુ પંસદ કરે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top