ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીમાં વહીવટી તંત્રની તૈયારીઓ શરૂ

130 જેટલા લગાવવામાં આવ્યા સીસીટીવી કેમેરા

8 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થશે. જેને લઈ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સહિત જિલ્લા વહીવટીતંત્ર દ્રારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અંબાજી ખાતે 8 સપ્ટેમ્બરથી સાત દિવસ સુધી ભાદરવી પૂનમનો મેળો ભરાશે, આ મેળામાં અંદાજે 30 લાખ જેટલા માઇભક્તો દર્શાનાર્થે ઉમટી પડશે.

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંબાજીમાં આગામી તા. 8થી 14 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. મેળામાં યાત્રિકો અને પૂનમના સંઘોની યાત્રામાં કોઈ વિઘ્ન ના આવે તે માટે વહીવટી તંત્રે એક્શન પ્લાન ઘડ્યો છે. 

ડેપ્યુટી કલેક્ટર દ્રારા જણાવવામાં આવ્યું કે અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરવા માટે આવે છે. ત્યારે આ વર્ષે પણ 8 સપ્ટેમ્બરથી સાત દિવસ સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આ મેળામાં દૂર-દૂરથી માઈ ભક્તો માં અંબાના દર્શન કરવા પધારશે. ત્યારે અંબાજી આવતા યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

તેમણે જણાવ્યું કે, હાલ વરસાદી સીઝન ચાલતી હોવાથી યાત્રિકોને આરામ કરવા માટે 30 જેટલા વોટપપ્રુફ સમીયાણા બનાવવામાં આવશે. તથા અંબાજી મંદિર દેવસ્થાન દ્રારા અંબાજી વિસ્તારમાં ત્રણ જગ્યાએ વિનામુલ્યે બન્ને ટાઈમ ભોજન મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંબાજી શહેર તથા હાઈવે પર 130 જેટલા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
  
ભાદરવી પૂર્ણિમાના મેળાને અનુલક્ષીને અંબાજી માતાના દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી લઈને રાત્રીના 1.30 સુધીનો કરવામાં આવ્યો છે. સાત દિવસ ચાલનારા આ મેળામાં  માઈભક્તો દૂરદૂરથી પગપાળા ચાલીને અંબાજી માતાના દર્શન કરવા માટે આવશે. જેને અનુલક્ષીને માતાજીના દર્શનનો સમય વધારવામાં આવ્યો છે.  

ચુસ્ત બંદોબસ્ત

અગાઉ ભાદરવી પૂર્ણિમાના મેળાને અનુલક્ષીને વહિવટી તંત્રની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. બનાસકાંઠા વહિવટી તંત્ર દ્રારા મેળામાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે અંબાજી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સૂચના આપવામાં આવી હતી તથા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મંદિરમાં પ્રસાદના કાઉન્ટર વધારવા તેમજ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં સુધારો કરવાની માંગ કરવામાં આવી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top