શંકાનું સમાધન કરનારાને કોઈ રોકે નહીં કોઈ ટોકે નહીં....

નોંધઃ તા.30-07-2019 ના રોજ ગુજરાતમાં અગ્રણી દૈનિક ગુજરાત સમાચારમાં લેખક અક્ષય અંતાણીનો આ લેખ વાંચકોને માહિતીપ્રદ બની રહે તે હેતુથી અહીં રજુ કર્યો છે- જન મન ઈન્ડિયા

માથેરાન ફરવા જાવ ત્યારે ક્યારેક માથે-હેરાન થવાનો પણ વખત આવે. સિનિયર સિટીઝન પથુકાકા અને કાકીને વરસાદમાં હિલ-સ્ટેશન માથેરાન ફરવા લઈ ગયો. કાકા તો પહાડ ઉપર પહોંચી સીટી જ વગાડયા કરે. કાકી કકળાટ કરે કે 'બુઢ્ઢા થયા તોય કેમ જુવાનિયાની જેમ સીટી વગાડયા કરો છો? કાકાએ સામી ચોપડાવી કે તું ફરવા આવી છો કે વિ-ફરવા? હું સિનિયર સિટિઝન છું એ સહુને ખબર પડે માટે સીટી તો વગાડુંને?'

પથુકાકા અને (હો) બાળાકાકીને સવારના પહોરમાં માથેરાનના જુદા જુદા પોઈન્ટ જોવા લઈ ગયો. થોડી ઠંડક હતી એટલે કાકાએ ખભા ઉપર  શાલ લીધી હતી. એકો પોઈન્ટ પર ગયા. આ પોઈન્ટ ઉપર જોરથી બૂમ પાડો તો અવાજ સામેના પહાડ પરથી પડઘાઈને પાછો આવે. મેં બૂમ પાડી કાકા... કાકા... તો પડઘો પડયો કા... કા... કા... પથુકાકા બોલ્યા હવે કાગડાની  જેમ કા... કા... કા... કરવાનું બંધ કરેને? હોબાળા કાકી હસી પડયા અને બોલ્યા 'તને ખબર છે? તારા કાકાને ફરવા બહાર લઈ જવામાંય જોખમ છે. શું કામ ખબર છે? એનો સ્વભાવ જ બહુ શંકાશીલ છે. શંકાશીલ.

મેં કહ્યું કાકાને અડધી સદીથી ઓળખું છું, એનો સ્વભાવ જરાય શંકાશીલ નથી.' ત્યારે (હો) બાળાકાકીએ લુચ્ચું હસીને ટચલી આંગળી દેખાડી  કહ્યું કે 'તારા કાકા ગમે ત્યાં લઘુ-શંકા કરવા ઊભા રહી જાય. જરાય શરમાય નહીં. એટલે શંકા-શીલ જ કહેવાયને?'

ખરેખર થોડી વારમાં કાકાને દબાણ આવ્યું અને એક ઝાડ પાસે પોઝીશન લીધી કાકીએ રાડ પાડી 'જરા શરમાવ તો ખરાં? માથે શાલ ઓઢીને  પછી પ્રવાહી યોગદાન આપો.' કાકાએ માથે શાલ ઓઢીને પછી ઝાડના મૂળમાં પ્રવાહી ખાતર-પામી નાખવા માંડયા એટલે (હો) બાળાકાકી કાકાની ઠેકડી ઉડાડતા ભજન લલકાર્યું ઃ ચાદર ઓઢ 'શંકા' મત કરીયો... ચાદર ઓઢ (લઘુ) શંકા મત કરીયો...

પથુકાકા ખરેખર ખીજાણા પ્રવાહી યોગદાન  આપી પાછા વળી ઉંચા અવાજે  બોલ્યા કે 'લઘુશંકા કે ગુરુશંકાનું દબાણ આવે ત્યારે જો રોકી રાખીએને તો માંદા પડાય હો? હમણાં જ મુંબઈનીલોકલના  મોટરમેને (કે મૂતરમેન) આખી ટ્રેન ઊભી સરાખી ટ્રેનની સામે જ પાટા પર ભદભદાવ્યું એની વિડીયો કેવી વાઈરલ થઈ? પણ દબાણ આવે ત્યારે બીજું શું  કરે? આવું થાય ત્યારે મને પેલું ભજન યાદ આવે ઃ કોઈ રોકે નહીં કોઈ ટોકે નહીં... ઐસી લાગી લગન... ઐસી લાગી.... બહુ લાગે ત્યારે માણસ શું કરે? ગમે ત્યાં સુ... સુ જ કરેને? રેલવે પ્રધાનને  મારે કહેવું છે કે  ટ્રેનમાં ડબે... ડબે બે... બે  ટોઈલેટ હોય છે તો એન્જિનમાં પણ સગવડ કરોને?  એન્જિનમાં  પણ સગવડ હોય તો એન્જિન-ડ્રાઈવર સિગ્નલબંધ હોય ત્યારે પાટા પર ઉતરી સહુની દેખતા આમ પ્રવાહી પાટોત્સવ તો ન ઉજવવો પડે?'

હું બોલ્યો આયુર્વેદમાં કહ્યું છે કે શરીરના કોઈ કુદરતી આવેગને રોકવો નહીં. આવેગને રોકવાથી શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે.' તરત કાકા બોલી ઉઠયા 'આ રેલવેવાળા બધી ટ્રેનોનો વેગ વધારવાની  ચિંતા કરે છે, પણ ક્યારેય આ ટ્રેનો  દોડાવનારાના 'આ-વેગ'ની ફિકર કેમ નથી કરતા?'

મે કહ્યું કે 'કુદરતી આવેગને  રોકવાની મથામણમાં  જ મુંબઈ જેવાં શહેરોમાં રસ્તા પર ફરજ બજાવતી મહિલા પોલીસો માંદગીનો ભોગ બને છેને? પુરુષ પોલીસો તો ગમે ત્યાં ખૂણે-ખાંચરે ઉભા રહી શંકાનું  સમાધાન કરી લે. પણ મહિલા પોલીસો ક્યાં જાય?  એમાં જ એ વરદીમાં દરદી બની જાય છેને?'

પથુકાકા કહે મુંબઈમાં રેલ-રોકો આંદોલન થાય છે, પણ હવે તો 'રેલો-રોકો' આંદોલન છેડવાની ભવિષ્યમાં નોબત આવશે એવી દશા છે, દબાણને રોકવાના 'રોક-શો' કરીને હેરાન થયેલાં  આંદોલન છેડશે જ ને?'

મેં કહ્યું 'કાકા કુદરતી હાજતને રોકવામાં માલ નહીં. માંદા પડી જવાય. કાકા બોલ્યા 'હમણાં જ યુ.પી.થી આવેલા એક સાધુના વ્યાખ્યાનમાં ગયો હતો. વ્યાખ્યાન પૂરૂં થયા પછી એમણે મને કહ્યું કે  બેટા મન મેં ત્યાગ કી ભાવના રાખો... ત્યારે મેં હાથ જોડીને કહ્યું કે સાધુજી જન્મ્યા પછી  મેં હંમેશા ત્યાગની ભાવના જ રાખી છે. 

મળ-મૂત્રના ત્યાગમાં  જરાય વાર નથી કરતો.' મેં કહ્યું 'તમારી આ ત્યાગ-ભાવના જોઈને સાધુ મહારાજ ખુશ થયા હશેને?' કાકા  બોલ્યા 'એ ખુશ થાય કે ન થાય, પણ મેં તો એમને વધુમાં સંભળાવ્યું કે બંધારણે સહુને મતાધિકાર આપ્યો છેએમ શરીરના બંધારણેે સહુને મૂતાધિકાર આપ્યો છ,ે બરાબરને?'

મેં કાકાને ગમે ત્યાં ખૂણે-ખાચરે ઉભા રહીને  શંકાનું  નિવારણ કરવામાં કેવી  અણધારી ઉપાધી  આવી પડે છે તેનો એક  સાચો બનેલો કિસ્સો સંભળાવ્યો.  મારા બનેવી બાબાલાલ વર્ષો પહેલાં  ભૂજ રહેતા ત્યારની વાત છે. આંખે એમને મોતીયો આવ્યો.  એટલે મોતીયો ઉતરાવવા માટે આંખના   ડૉકટર પાસે ગયા. ભેગો એક જીગરજાન દોસ્ત પણ હતો.  ઓપરેશન પૂરૂં થતાં સાંજ પડી  ગઈ. ડૉકટરે  આપેલા કાળા ડાબલા પહેરી લીધા. દવાખાનેથી  દોસ્તનો હાથ પકડી ધીરે ધીરે ઘર તરફ ચાલીને જવા રસ્તાના બજારમાંથી પસાર થતા હતા. ત્યારે જોરદાર સુ... સુ લાગી. દોસ્તને કહ્યું કે હવે તો રહેવાશે નહીં જલ્દી ખૂણો ગોતી કાઢ. 

દોસ્તારે આજુબાજુ જોઈને એક ખૂણો શોધી કાઢ્યો અને અંધારા ખૂણા તરફ બનેવીને લઈ જઈ ઉભા રાખી દીધા.  બનેવીએ  પ્રવાહી યોગદાન આપવાની હજી તો શરૂઆત કરી ત્યાં તો જોરદાર રાડ સંભળાઈ એ...ય કોણ છે મારૂં આખું માથું મૂ...થી ભરી મૂક્યું... બનેવી તો હેબતાઈ ગયા અને સોરી... સોરી... કહીને બોલ્યા ભાઈ મને દેખાતું નથી... એટલે મને ક્યાંથી ખબર પડે કે તમે નીચે બેસીને પતાવટ કરતા હશો? મારો દોસ્તાર  ભેગો છે એણે  ખૂણો ગોતી ઉભો રાખી દીધો એમાં મારો શું વાંક? માથે મૂત્રોભિષેકથી ભીંજાયેલા પેલા ભાઈએ કચ્છીમાં કટકે ને કટકે ગાળો સોફાવતા રાડ પાડી ક્યાં ગયો તમારો એ  દોસ્તાર... તમને નથી દેખાતું પણ તમારા દોસ્તારને તો દેખાય છેને? હવે એને માર્યા વગર નહીં મૂકું... આ બોલાચાલી અને રાડારાડ સાંભળીને બનેવીનો દોસ્તાર રફુચક્કર થઈ ગયો. 

બનેવી આમતેમ ફાંફા મારવા માંડયા. આ જોઈ પેલા 'ભાવથી ભીંજાયેલો' માણસને દયા આવી અન ેહાથ ઝાલી બનેવીને રીક્ષામાં બેસાડી દીધા. રીક્ષામાં બેઠા એટલે બનેવીએ હળવેકથી કહ્યું માનવ માત્ર ભૂલને પાત્ર... આ સાંભળી પેલાએ જોરથી કહ્યું કે માનવ માત્ર કે માનવ મૂત્ર...

પથુકાકા બોલ્યા સરકાર જુદા જુદા  મંત્રાલય ઊભા કરે છે, પણ પૂર્તાં મૂત્રાલય કેમ ઊભા નથી કરતી? ઘર ઘરણાં ટોઈલેટની ઝુંબેશ ચાલે છે  પણ ખૂણે ખૂણે યુરિનલ ક્યારે બાંધશે? ચારે તરફ બોર્ડ મારવામાં આવે છે કે 'જાહેરમાં ગંદકી કરવી નહીં.' પણ આપણાં કેટલાય નઠારા નેતાઓ ગંદુ રાજકારણ રમી જાહેરમાં ગંદકી કરે છે એને કેમ કોઈ રોકતું નથી? એ તો ટેસથી જાહેરમાં ગંદકી કરતા જાય અને વળી ગાતા જાય કેઃ અય માલિક તેરે 'ગંદે' હમ ઐસે હો હમારે કરમ, 'એકી' પર ચલે ઔર બદી મેં પલે તાકી હસતે હુએ નીકલે દમ...'

મેં કહ્યું મુંબઈ મહાપાલિકાવાળા દરિયા કિનારે  માલિક સાથે ફરતા પાળેલા કૂતરા  ગંદકી ન કરે એ માટે વ્યવસ્થા  કરે છે. મરીન ડ્રાઈવ પર નાના-નાના ડોગ બોક્સ મૂક્યા છે. કૂતરા જેવાં ફૂટપાથ પર ગુરુ-શંકા કરે ત્યારે માલિકે ખાસ સુપડીમાં અવશેષો ઉપાડીને ડબામાં પધરાવી દેવાના. પણ આપણી જેવાં કર ભર ભર કરતા કરદાતા માટે સાદી મુતરડી  બાંધવાનું પણ નથી સૂઝતું. એટલે કરદાતાએ તો બસ ગમે ત્યાં ઊભા રહીને બસ કર... કર કર્યા કરવાનું.

પથુકાકા બોલ્યા 'યુપીવાળા'ના નસીબમાં તો હેરાન થવાનું જ લખ્યું છેને?  મેં કહ્યું 'કાકા તમે ઓચિંતાનો ક્યાં પ્રાંતવાદનો મુદ્દો છેડયો?  કાકા બોલ્યા આ પ્રાંતવાદનો મુદ્દો નથી. યુપીવાળા એટલે  યુરિન-પ્રેશરવાલા જરા સમજ તો ખરો યુ.પી.વાલા એટલે યુરિન-પ્રેશરવાળા અને એમ.પી.વાળા એટલે મૂતર-પ્રેશરવાળા...'

મેં કાકાને કહ્યું કે હમણાં જ મેં સમાચાર વાંચ્યા હતા. ગ્રામ-પંચાયતે  ગામડામાં ગંદકી દૂર કરવા નવો નુસ્ખો અજમાવ્યો હતો. ગામડાના અમુક લોકોને સીટી આપી હતી. એમને કહેવામાં  આવ્યું કે જાહેરમાં  કોઈ પણ વ્યક્તિ શંકા-નિવારણ કરતી નજરે પડે ત્યારે જોર જોરથી સીટી વગાડીને ગોકીરો કરવાનો અને પછી પેલાને શરમાવીને ભગાડવાનો આ નુસ્ખાની સારી અસર થઈ હતી. ' પથુકાકા બોલ્યા 'આ કેટલાક પ્રાંતવાદી નેતાઓ તો આવું જ કરે છેને?  બસ સીટી-વગાડો અને યુ.પી.વાળાને  ભગાડો...'

મેં કહ્યું કાકા મુંબઈ જેવાં મહાનગરમાં શંકા-નિવારણની સમસ્યા પુરૂષો કરતાં પણ મહિલાઓને વધુ નડે છે. પતિને દાબમાં રાખવો સહેલો પણ પે...ને દાબમા ંરાખવાનું  સહેલું નથી હો? મુંબઈની લોકલ ટ્રેનોમાં  દૂરદૂરથી નોકરીએ આવતી-જતી મહિલાઓએ કેટલું દબાણ સહેવું પડે છે  અને કેટલું ઈન્વેસ્ટમેન્ટ (રોકાણ) કરવું  પડે છે એની કોઈ કલ્પના છે?મૂડી-રોકાણ ક્યાં કરવું એની સલાહ આપતા કન્સલ્ટન્ટ ઘણાં મળે છે, પણ મહિલાઓને  'લિક્વિડિટી' વધારતું રોકાણ કેમ કરવું એની સલાહ થોડી જ મળે છે? રોકાણની જ બધે મોકાણ છેને?' 

મુંબઈની લોકલ ટ્રેનોમાં નિયમિત મુસાફરી કરતી મહિલાઓની તકલીફ જાણવા એક સ્વયંસેવી  સંસ્થાએ સર્વે હાથ ધર્યો હતો. કર્જતથી છત્રપતિ શિવાજી ટર્મિનસ પહોંચેલી મહિલાઓને  સ્વયંસેવિકાએ પૂછ્યું કે તમે એકી સાથે  કેટલો પ્રવાસ કરીને આવ્યા?' સવાલ સાંભળી એક સ્માર્ટ યુવતીએ ટચલી આંગળીની નિશાની કરી કહ્યું અમે 'એકી' સાથે દોઢ કલાકનો પ્રવાસ કરીને અહીં પહોંચ્યા, બોલો અમને કેટલી તકલીફ પડતી હશે એ ખબર પડે છે?'

પથુકાકાએ ટાપશી પૂરી કે સ્ત્રીઓની 'શંકામુક્તિ'ની તકલીફથી સમસમી ઊઠેલી નારી સંસ્થાએ જોર-શોરથી ઝુંબેશ ઉપાડી હતી. આ ઝુંબેશને શું નામ આપ્યું હતું ખબર છે? રાઈટ ટુ પી. એટલે મતાધિકારની  જેમ મૂતાધિકાર આપવાની માગણી સાથે લડત આપી હતી. આનું સારૂ પરિણામ પણ જોવા મળ્યું હતું.  આ ઝુંબેશ બધે જ સફળ થાય તો મહિલાઓ હેપ્પી... નહીંતર હે...પી...'

એકીકરણ અને જાહેરમાં ગંદકી ન જ થાય એ જરૂરી છે. પણ એ માટે સરકાર કે સુધરાઈ પૂરી સુવિધા ઊભી ન કરે તો જનતા શું કરે?'

કાકાએ આ મુદ્દાને  રાજકીય રંગ આપતા કહ્યું કે 'જાહેરમાં એકીકરણ અને ગંદકી ન કરવી જોઈએ એ બરાબર. પણ લોકસભાની છેલ્લી ચૂંટણીમાં   વિરોધ પક્ષોવાળાએ જ આ કર્યુંને?' મેં પૂછ્યું કેવી રીતે ? ત્યારે કાકા બોલ્યા કેટલાય વિપક્ષોનો શંભુમેળો જામ્યો, સહુએ એક થઈને લડવાનો  સંકલ્પ કર્યો અને આ 'એકીકરણ'નો દેખાડો  કરતા અને મંચ પરથી ગંદકી ઠાલવવા લાગ્યા.  

આમ  એકી-કરણ  અને જાહેરમાં ગંદકી કરનારા આ બધા નેતાઓને જનતાએ કેવી ફટકાર લગાવી જોયુંને? ઓછા શૌચાલયોની  સ્થિતિમાં લોકો ગાતાઃ જાયે તો જાયે કહાં સમજેગાં કૌન યહાં... હવે આ જ ગીત ગાવાનું  ટાણું વિપક્ષો માટે આવ્યું છેઃ જાયે તો જાયે કહાં સમજેગા કૌન યહાં...

મેં પથુકાકાને યાદ અપાવ્યું કે મહાત્મા ગાંધીજીએ  કહ્યું હતું કે સ્વચ્છતાનો મારો ખ્યાલ એવો છે કે  મંદિરમાં હોય એટલી જ સ્વચ્છતા શૌચાલયમાં હોવી  જોઈએ.' પણ બાપુને કલ્પના નહીં હોય કે આજે શૌચાલયો સ્વચ્છ થતા જાય છે અને અમુક ધર્માલયોમાં ગંદવાડ વધતો જાય છે. એટલે જ કહેવું પડે કેઃ 

દેવાલયમાં પડે ડંકા

અને શૌચાલયમાં પડે 'શંકા'

પણ આજે ચોખ્ખા શૌચાલયમાં

સંભળાય છે સ્વચ્છતાના ડંકા

અને અમુક દેવાલય ભણી જાય છે શંકા.

અંત-વાણી

કોઈ પર નથી શંકાથી

લઘુશંકાથી અને ગુરુશંકાથી

ગુરુઘંટાલોથી જો બચવું હોય તો

ગમે તેને ગુરુ બનાવતા પહેલાં

Share This:  

Recent Comments

Leave Comments

Top