ભારતમાં ગધેડી ગાય અને પાકમાં ગધેડી વેંચાય

નોંધઃ તા.27-08-2019 ના રોજ ગુજરાતમાં અગ્રણી દૈનિક ગુજરાત સમાચારમાં લેખક અક્ષય અંતાણીનો આ લેખ વાંચકોને માહિતીપ્રદ બની રહે તે હેતુથી અહીં રજુ કર્યો છે- જન મન ઈન્ડિયા

ભારતને પાકિસ્તાન નડે અને આપણાં કાકાને (હો) બાળાકાકીનું કાકીસ્તાન કનડે. પાકિસ્તાન ખુદ બેહાલ જ્યારે કાકીસ્તાન કરે કાકાના હાલ. પાકિસ્તાનના સ્થાપક ઝીણા અને કાકીસ્તાનમાં લોહી-પીણા. કાકીસ્તાન રોજ ભાત ખાય અને પાકિસ્તાન રોજ લાત ખાય બાત એક લાત કી પાકકી આદત ઘાતકી...

પથુકાકા હોમ-ટેરીટરીમાં આમ તો કાયમ ગૃહ-યુદ્ધ જેવો જ માહોલ. ધડાધડી ચાલતી હોય, મિસાઈલની જેમ વાંસણો ફેંકાતા હોય અને હદ વટાવી જાય એવાં ઝઘડા કરી સીમાનું ઉલ્લંઘન થાતું જ હોય પણ શ્રાવણ મહિનાની એક સવારે કાકીના ઘોઘરા કંઠે ગવાતા ભજન કાને પડયા: શંભુ શરણે પડી... માગું ઘડી રે ઘડી... મને નવાઈ લાગી કાકા-કાકીના ઘરમાંથી ભડભડાટીને બદલે ભજન કેમ સંભળાવા માંડયા? ચાલ જઈને જોઉં તો ખરો?

કાકાના ઘરે જઈને જોયું તો (હો) બાળાકાકી પૂજા કરતા હતા અને ભેગાભેગું કર્કશ અવાજે ભજન ગાતા હતાઃ શંભુ શરણે પડી... અત્યાર સુધી શાંત બેઠેલા કાકા તાડૂક્યા 'શંભુ શરણે ભલે પડી, પણ અમારા માથે શું કામ પડી?' ધાર્મિક વાતાવરણ ધર્મયુદ્ધમાં ફેરવાય એ પહેલાં મેં મધ્યસ્થી કરતા કહ્યું 'કાકા (હો) બાળાકાકી ગાય છે?' પથુકાકાએ છણકો કરીને જવાબ દીધો કે તારી કાકી ગાય છે કે  ગધેડી છે એ તો રામ જાણે'

મેં કાકાને ટાઢા પાડતા કહ્યું 'એવું ન બોલાય, કાકીને માટે એમ કેમ કહો છો કે  ઈ ગાય છે કે  ગધેડી રામ જાણે?' પથુકાકાએ તરત જ મોબાઈલમાં  વિડિયો ફિલ્મ દેખાડી જેમાં પૂનાની ગધેડી ગાતી હતી. પછી કાકા બોલ્યા આજના કરાઓકેના જમાનામાં ગધેડી પણ ગાય છે, તો તારી કાકી ગાય એમાં વળી શું નવાઈ? મારી અર્ધાંગિની ગાય એટલે ગર્ધાંગિની....

મેં કહ્યું કાકા સોશિયલ મિડિયામાં  ગાતી ગધેડી  ફેમસ થઈ ગઈ હો? એનું શું નામ છે ખબર છે? એમિલી' તરત કાકા બોલ્યા ગાતી ગધેડીનું નામ એમિલી અને આ તારી ગાતી કાકી આ-મિલી હવે તો ભાઈ બે-પગાની સાથે ચો-પગા પણ ગાતા થવા માંડયા છે. ગાતી ગધેડીને  સાંભળી મને વિચાર આવ્યો કે  એને માટે જુદા જુદા  શાસ્ત્રીય રાગોનું  સર્જન થશે. દાખલા તરીકે રાગ લાતેશ્વરી, બાગેશ્રીને બદલે ભાગેશ્રી, રાગ કલાવતીને બદલે  છમકલાવતી, તોડીને બદલે (લાત મારી) તોડી...'

મેં કહ્યું 'પથુકાકા આપણે ત્યાં ગધેડી ગાય છે  અને વસમા પાડોશી પાકિસ્તાનમાં ગધેડી ગધેડા  વેંચાય છે એ ખબર છે? લોકોને ખાવાના સાંસા છે આતંકવાદીઓ પાછળ અબજોનું આંધણ કરી પાક સરકારની તીજોરી તળિયાઝાટક થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં એ.ટી.એમ. દેખાય છે. એટીએમ એટલે શું ખબર છે? એની-ટાઈમ-મુશ્કેલી. એમાં વળી... પડે તોય તંગડી ઊંચી એ કહેવતની જેમ ભારત સાથેના વેપારી સંબંધ કાપી નાખ્યા. 

એમાં ટમેટા ૩૦૦-૪૦૦  રૂપિયે કિલો અને દૂધ અઢીસો રૂપિયે લીટર થઈ ગયું છે. તોય પાકિસ્તાનના શાસક અવળચંંડાઈ મૂક્તા નથી. આવી કટોકટીમાં અર્થતંત્રની તો અર્થી ઉઠતા અર્થી-તંત્ર થઈ ગયું છે. આમાં પછી પ્રજાએ ગધેડા ગધેડી વેંચીને જ ગાડું ગબડાવવાનો જ વારો આવે કે બીજું કાંઈ?' પથુકાકા  તરત બોલી ઉઠયા 'ગધેડાને ખર પણ કહે છે  ખબર છેને? એટલે પાકિસ્તાનની આ ડોન્કી-નોંમીક્સનો  શું કહેવાય? ખર તંત્ર બરાબરને? તારા ખરે અને ખર તારે એમાં  શું લેવાદેવા મારે ને તારે? 

મેં કહ્યું 'શાસ્ત્રમાં કહ્યું છેને કે જે મારતું એ જ તારતુ... કાકા કહે 'વાત તારી સાચી જે મારે ઈ તારે. પણ પાકિસ્તાનમાં શું છે ખબર છે? આતંકવાદીઓના ઠેર ઠેર ઉછેર કેન્દ્રો ખોલીને બેઠેલા પાકિસ્તાનના શાસકોને બહારની દુનિયા લાતમલાત મારે છે અને હેરાનપરેશાન જનતાને ગધેડા તારે છે એટલે તો મનોમન ભજન ગણગણતા  હશેઃ 'તારે' ને 'મારે' હંસા (કે ગધ્ધા) પ્રીત્યું બંધાણી રે'...

મેં કાકાને યાદ અપાવ્યું કે વર્ષો પહેલાં 'જબ જબ ફૂલ ખીલે' ફિલ્મ આવી હતી યાદ છે? એ ફિલ્મનું  શૂટિંગ કાશ્મીરમાં થયું હતું. શિકારાવાળા શશિકપૂર સાથે હિરોઈન નંદા પ્રેમમાં પડે છે એવી કંઈક વાર્તા હતી.  આજે એઐ જ કાશ્મીરને ૩૭૦ કલમ-મુક્ત કર્યું એમાં પાકના પેટમાં ચૂંક આવે છે બોલો. તમે જ કહો કે પંડિત નેહરુની 'ચૂક'ને લીધે ભારતે સાત દાયકા સુધી કેવી પેટમાં ચૂંકની પીડા વેઠવી પડી છે? પહેલાં આપણે વેઠી નેહરુની ચૂકની પીડા હવે ભલે વેઠે પીડા  ઈ પા-પીડા.'

મેં તો ઉમેર્યું કાકા કે 'જબ જબ ફૂલ ખીલે'માં  કલ્યાણજી-આણંદજીનું એક ગીત અમેર થઈ ગયું ઃ પરદેશિયોં સે ના અંખીયા મિલાના... પરદેસિયોં કો હૈ એક દિન જાના...' હજી તો વાક્ય પૂરૂં કરૂં ત્યાં જ કાકા વચમાં  ઠેકી પડયા અને બોલ્યા 'સારૂં યાદ આવ્યું. ગધેડા એટલે ખર બરાબરને? હવે મને પરદેશિયોં સેના અખીયાં મિલાના ઈ ગીત પાકિસ્તાનના ખર-તંત્રની  દશા જોઈ ફેરવીને ગાવાનું મન થયું છે કે  ખરદેશિયાં સે ના અખીયાં મિલાના ખરદેશિયોં કો હૈ એક દિન 'જાના'...

મેં કહ્યું કાકા આપણા આબાદ દેશમાં પ્રગતિને  પંથે સહુ એક સૂરમાં ગાય છેઃ બઢે ચલો બઢે ચલો... અને બરબાદ પાકિસ્તાનમાં સહુ ગધેડા-ગધેડીને  પગલે આગળ વધી ગાય છેઃ ગધે ચલો ગધે ચલો... કારણ ગધ્ધા વિના આરો નથી.  ગધેડા ઉછેરીને પાકિસ્તાનવાળા તેને ચીન ભણી એક્સપોર્ટ કરે છે. કારણ ચીનમાં ચીનાઓ એની કતલ કરી જાતજાતની માંસાહારી વાનગીનું ધૂમ વેંચાણ કરે છે. પાકિસ્તાન અર્થતંત્રને  ગર્દભને સહારે  ઉગારવાની કોશિષ કરે છે  એ જોઈ કહેવું પડે કે આપણે ત્યાં ગજેન્દ્ર મોક્ષની વાત આવે છે તો પાકિસ્તાનમાં  ગધેન્દ્ર-મોક્ષ ક્યારે  થશે?'

પથુકાકા બોલ્યા 'હમણાં જ મેં વાંચ્યું કે એકલા લાહોર શહેરમાં ગધેડાની આબાદી  ૪૧ હજાર ઊપર પહોંચી છે. બીજા  ગામો અને શહેરોની વાત કરવામાં આવે તો  ગધેડાની વસતી  લાખો ઉપર પહોંચે છે. જાતવાન ઘોડા નહીં પણ લાત-વાત ગધેડા ૩૦થી ૩૫ હજારમાં  વેંચાય છે હો? એટલે એમ કહી શકાય કે આ નાપાક પાકિસ્તાનમાં  ગધેડાની  કિંમત છે, પણ માણસની કોઈ કિંમત નથી.'

મેં કહ્યું હમણાં જ મેં સાંભળ્યું કે પાકિસ્તાનના કેટલાક ચાલબાજ  ગધેડા ઊછેરનારાએ હજારેક  ગધેડા  ચીન મોકલતા પહેલાં  સામાન્ય ગધેડા કરતાં  વધુ કિંમત વસૂલ કરી. આ ચાલબાજોએ ચીનના વેપારીઓને કહ્યું કે અમે પાકિસ્તાનમાં  અમારા ગધેડાને ચીની ભાષાનું  જ્ઞાાન આપ્યું છે. એટલે ગધેડા ભાંગીતૂટી  ચીની ભાષા બોલે છે. 

વિશ્વાસ  ન બેસતો હોય તો  સાંભળો. એમ કહીને આગલી  હરોળમાં  જે બૌદ્ધિક ગધેડા ઊભા હતા એને જોરથી  ડફણાં માર્યા. આ સાથે જ બધા બૌદ્ધિક ગધેડા (ટીવી  ચેનલોની ડિબેટમાં કેટલાક બૌદ્ધિક રાડારાડ કરે છે એમ) હોંચી... હોંચી... હોંચી... કરીને ગામ ગજાવ્યું ત્યારે ચાલબાઝ  પાકિસ્તાનીઓએ  કહ્યું સાંભળ્યું ને? આ ગધેડા તમારા  ચાઈનીઝ નેતા હોંચી-મિન્હનું નામ બોલતા થઈ ગયા છે લાવો પૈસા અને લઈ જાવ ગધેડા...

કાકા બોલ્યા ચીન અને પાકિસ્તાન આ બેઉ દુશ્મનો એકબીજાની હલકી ભાષા જ સમજે છે. આપણી શાંતિની ભાષા એને સમજાતી જ નથી.'

મેં કહ્યું કાકા હમણાં કાશ્મીરી કલમ નાબૂદ થઈ એમાં અલગતાવાદીઓને કેવી કચકચાવીને લાત વાગી? બીજી લાત આ કાશ્મીરના કમઠાણના મૂળમાં જેનો વાંક હતો એ પાર્ટીને પણ વાગીને?'  પથુકાકા બોલ્યા લાત ખાઈ ખાઈને પાછા વળતા અલગતાવાદીઓ અને એક જ ખાનદાનને વળગતા  રહેલા વળગતાવાદીઓ હવે ગળગળા સાદેે ગાય છેઃ 'લાત' કે હમસફર થક કે ઘર કો ચલે...

અંત-વાણી

પાકિસ્તાન સાથે મંત્રણા હોય જ નહીં:

લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે

Share This:  

Recent Comments

Leave Comments

Top