વિપક્ષ નેતાઓ સાથે રાહુલ ગાંધીની કાશ્મીર પ્રવાસની માંગ રાજ્યપાલે ફગાવી

કહ્યું, સ્થાનિક લોકોને વધુ સમસ્યાનો કરવો પડશે સામનો

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની વિપક્ષના નેતાઓ સાથે કાશ્મીરની મુલાકાત લેવાની માંગને ફગાવી દીધી છે. જમ્મુ-કાશ્મીર રાજ ભવનએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે વિપક્ષી પાર્ટીના નેતાઓની મુલાકાતથી મુશ્કેલીઓ વધશે અને સ્થાનિક લોકોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે રાજ્યપાલ સત્યપાલ મલિકે વિરોધી પક્ષોના નેતાઓને ખીણની મુલાકાત લેવા અને લોકો સાથે વાત કરવાની છૂટ આપવી જોઈએ. તેના જવાબમાં રાજ્યપાલે કહ્યું કે રાહુલ ગાંધી આ મામલે રાજનીતિ કરે છે. રાજ્યપાલે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર રાહુલ ગાંધી કેટલાંક નકલી સમાચારો જોઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાજ્યપાલે કહ્યું કે કેટલીક નજીવી ઘટનાઓને છોડીને રાજ્યની સ્થિતિ શાંતિપૂર્ણ છે.

આ પહેલા રાહુલ ગાંધીએ રાજ્યપાલ સત્યપાલ મલિકને કહ્યું હતું કે તેમને વિમાનની જરૂર નથી, પરંતુ કાશ્મીર ખીણમાં જવું અને ત્યાંના લોકોને મળવાની સ્વતંત્રતા મળવી જોઈએ. રાહુલ ગાંધી હાલમાં તેમના લોકસભા મત વિસ્તાર વાયનાડના પ્રવાસ પર છે. તેમણે ટ્વિટ કર્યું, " રાજ્યપાલ મલિક, વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ અને હું તમારા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાત માટેના આમંત્રણને સ્વીકારીએ છીએ. અમને વિમાનની જરૂર નહીં પડે, પરંતુ અમારી યાત્રાની આઝાદી, લોકો સાથે વાતચીત, મુખ્ય પ્રવાહના નેતાઓ અને ત્યાં સ્થાયી સૈનિકોની મુલાકાત કરવાની ખાતરી આપો."

રાજ્યપાલ મલિકે રાહુલને કાશ્મીર આવીને પરિસ્થિતિ જોવાનું કહ્યું હતું. કોંગ્રેસ નેતાએ બીજા જ દિવસે જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ કેન્દ્ર દ્વારા કલમ 37૦ નાબૂદ થયા બાદ કાશ્મીરમાં હિંસક ઘટનાઓનો થવાનો દાવો કર્યો હતો. આ પરથી મલિકે તેમને કાશ્મીર આવી પરિસ્થિતિ જોવાનું આમંત્રણ આપ્યું.

ગયા અઠવાડિયે, કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદની સાથે સાથે જનરલ સેક્રેટરી ડી.રાજા અને સીતારામ યેચુરીને એરપોર્ટ પહોંચ્યા બાદ શ્રીનગરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેઓને લોકો અને પાર્ટીના નેતાઓ સાથે મળવા માટેની મંજૂરી આપ્યા વગર દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

Share This:  

Recent Comments

Leave Comments

Top