સતત 65 વર્ષથી ઇંટ અને ઇમારત કોલમ અડગ

પિતા-પુત્રનું સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન

દેશમાં મીડિયાને ચોથી જાગીર ગણવામાં આવે છે. અનેક એવાં સમાચાર પત્રો છે. જેમાં લેખકો પોતાના લેખ, કોલમ પોતાના મનના વિચારોને લોકો સમક્ષ મુકે છે. અનેક એવી કોલમો છે જે વર્ષોથી લખાતી આવી છે. એવી જ એક કોલમ જેને આજે 65 વર્ષ પૂર્ણ થયાં છે. ઇંટ અને ઇમારત કોલમના 65 વર્ષ પૂર્ણ થયા અને 66માં વર્ષમાં પ્રવેશી છે. કુમારપાળ દેસાઇ લિખિત ઇંટ અને ઇમારત કોલમ આજે ગુજરાત સમાચારના તંત્રી પાના પર પ્રકાશિત કરાઇ છે. 

આ સાથે આ કોલમે અવિરત, સળંગ 65 વર્ષ પૂર્ણ કર્યાં છે. પાંચમી જૂન, 1954ના રોજ 'જયભિખ્ખુ' (બાલાભાઈ દેસાઈ)એ આ કોલમનો પ્રારંભ કર્યો હતો. 24મી ડિસેમ્બર, 1969ના રોજ 'જયભિખ્ખુ'નું અવસાન થયા પછી, 'ગુજરાત સમાચાર'ના તત્કાલીન તંત્રી શાંતિલાલ શાહ આગ્રહપૂર્વક કુમારપાળ દેસાઈ પાસે આ કોલમ ચાલુ રખાવી. પિતા 'જયભિખ્ખુ'એ 1954થી 1969 આશરે 15 વર્ષ અને પુત્ર કુમારપાળ દેસાઈએ 1969થી 2019 આશરે 50 વર્ષ સુધી આ કોલમ ચલાવી છે. કોઈ કોલમ એક વખત શરૃ થયા પછી સતત ચાલુ 65 વર્ષ ચાલુ રહી હોય તેવી ગુજરાતી પત્રકારત્વની આ પ્રથમ અને એકમાત્ર ઘટના છે. 

પુત્રો પિતાનો સંપત્તિ સહિતનો અનેક પ્રકારનો વારસો સંભાળતા હોય છે, પણ કોઈ પુત્રએ સત્ત્વશીલ કોલમનો વારસો સંભાળીને તેને દીપાવ્યો હોય તેવી પણ આ પહેલી ઘટના છે. કવિ દલપતરામ-નાન્હાલાલ અને મહાદેવભાઈ દેસાઈ- નારાયણ દેસાઈ જેવા સાહિત્યના ક્ષેત્રમાં પિતાપુત્ર જોવા મળે,  વિજયગુપ્ત મૌર્ય-નગેન્દ્ર વિજય-હર્ષલ પુષ્કર્ણા જેવા પિતા-પુત્ર-પૌત્ર પત્રકારત્વમાં જોવા મળે, પરંતુ કોઈ પિતા-પુત્રએ સાહિત્ય અને પત્રકારત્વ બન્ને ક્ષેત્રમાં એકસાથે નોંધપાત્ર પ્રદાન કર્યું હોય અને 65 વર્ષ સત્વશીલ અને મૂલ્યનિષ્ઠ કોલમ ચલાવી હોય તેવું તો 'જયભિખ્ખુ' અને કુમારપાળ દેસાઈના કિસ્સામાં જ બન્યું છે. 

વ્યક્તિગત વાત કરીએ તો કુમારપાળ દેસાઈ સતત 50 વર્ષથી 'ઈંટ અને ઈમારત' કોલમ લખી રહ્યા છે. તેનો એક પણ હપ્તો પડ્યો નથી. 'ગુજરાત સમાચાર'માં જ (પહેલાં) પ્રકાશિત થતી બકુલ ત્રિપાઠીની 'સોમવારની સવારે' કોલમનો 53 વર્ષનો વિક્રમ છે. (જુલાઈ, 1953થી જુલાઈ, 2006 સુધી) આ વિક્રમ 'લિમ્બા બુક'માં પણ નોંધાયો છે. બે વર્ષ પછી 'ઈંટ અને ઈમારત' કોલમના લેખક કુમારપાળ દેસાઈ એ વિક્રમથી આગળ નીકળી જશે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top