<p>સિહોરમાં બુટલેગરના ત્રાસથી આત્મવિલોપન કરનારા યુવકનું મોત</p>

પોલીસ સ્ટેશનમાં આત્મવિલોપન કરી આત્મઘાતનો કર્યો હતો પ્રયાસ 

સંવાદદાતાઃ જન મન ઈન્ડિયા

બોટાદઃ સિહોર શહેરની એક્તા સોસાયટીમાં રહેતાં યુવાન ગીરિશભાઈ બારૈયાએ બુટલેગરના ત્રાસથી રવિવારે પોલીસ સ્ટેશનમાં આત્મવિલોપન કરીને આત્મઘાતનો પ્રયાસ કર્યો હતો. આ યુવાનને ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં આ વિસ્તારમાં તણાવનો માહોલ પેદા થઈ ગયો છે.

સિહોરના 27 વર્ષીય ગીરીશભાઈ જીવરાજભાઈ બારૈયાએ રવિવારે સાંજે સિહોર પોલીસ સ્ટેશનમાં પહેલા માળે જઈ પોતાની સાથેના જ્વલનશીલ પ્રવાહી-પદાર્થને શરીરે છાંટી આગ લગાડી દીધી હતી. બારૈયા ભડભડ સળગવા લાગતાં દોડેલા પોલીસોએ આગ બુઝાવી હતી પણ ત્યાં સુધીમાં બારૈયા ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને ગંભીર હાલતમાં પહેલાં સિહોર દવાખાને લઈ જવાયા હતા. બાદમાં વધુ સારવાર માટે ભાવનગર ખાતેની સર ટી. હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.  

આ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા પી.એલ.માલના અધિકારીઓ હોસ્પિટલ ધસી ગયા હતા. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ અંગે સિહોર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. માલે જાહેરાત કરી છે કે, મૃતક યુવાનના પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવશે તો પોલીસ ચોક્કસ તપાસ કરશે.

સિહોરના બુટલેગર જયેશ ભાણજીભાઈ મકવાણાએ ગીરિશભાઈ બારૈયા પોતાના દારૂના માલની પોલીસને બાતમી આપી પકડાવી દેતો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે તે ગીરિશભાઈ બારૈયાને ધમકી આપતો હતો.  પોલીસે પકડેલાં દારૂના માલના પૈસા તારે આપવા પડશે તેવી તેની ધમકીથી કંટાળી જઈ ગીરિશભાઈ બારૈયાએ સળગી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું માલે જણાવ્યું હતું.  આ મામલે સિહોર પોલીસે જણાવ્યું હતું કે, કોઈની સામે ફરિયાદ નોંધાઈ નથી પણ ફરિયાદ નોંધાશે તો અમે ચોક્કસ પગલાં ભરીશું. મૃતક યુવાનની અંતિમયાત્રા પોલીસ બંદોબસ્ત સાથે નીકળી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top