પાલનપુરથી ઉંઝા સુધી નીકળી પાટીદાર સદભાવના યાત્રા

મોટી સંખ્યામાં લોકો સાથે હાર્દિક-લાલજી પણ જોડાયા

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરથી મહેસાણાના ઉંઝા ઉમિયાધામ સુધી સરદાર પટેલ ગ્રુપ દ્ધારા પાટીદારોની સદભાવના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું પ્રસ્થાન પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે કરાવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઇઓ અને બહેનો પણ જોડાયા હતા.

પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલી સમૂહલગ્નની વાડી ખાતેથી પાટીદાર સમાજ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરો, પાટીદાર સમાજને ન્યાય સહિતની વિવિધ માંગણીઓ સાથે પાલનપુરથી ઉંઝા સુધીની સદભાવના યાત્રા યોજી હતી. પાસ અને એસપીજી સહિતના સંગઠન સિવાય પાલનપુરથી હજારો પાટીદારો સાથે નીકળેલી મહારેલીને કારણે પાલનપુરથી ઊંઝાનો માર્ગ ‘જય સરદાર જય પાટીદાર’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.  મોટી સંખ્યામાં લોકો ટ્રેક્ટરો અને બાઇક લઇને આ યાત્રામાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ 9 સપ્ટેમ્બરના રોજ પણ પાટીદારો દ્ધારા ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલના સમર્થનમાં પાટણથી ઉંઝા સુધીની સદભાવના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્યો કિરીટ પટેલ અને લલિત વસોયા હાજર રહ્યા હતા. પાટણ સહિત ઉત્તર ગુજરાતના 12 હજારથી વધુ પાટીદારો જોડાયા હતા.

Share This:  

Recent Comments

Leave Comments

Top