બિલ ગેટ્સના ઘરની આ છે વિશેષતાઓ, જાણો કેવી છે લાયબ્રેરી ?

બિલ ગેટ્સની કુલ સંપત્તિ 82 અબજ ડોલર એટલે કે લગભગ રૂપિયા 5.40 લાખ કરોડ છે

બિલ ગેટ્સ દુનિયાની સૌથી ધનિક વ્યક્તિઓમાં એક છે. બિલ ગેટ્સની કુલ સંપત્તિ 82 અબજ ડોલર એટલે કે લગભગ રૂપિયા 5.40 લાખ કરોડ છે. અબજોની સંપત્તિ દાનમાં આપ્યા પછી વધેલી આ સંપત્તિ છે. આટલી સંપત્તિ ધરાવતી વ્યક્તિ કેવા ઘરમાં રહહેતી હશે તે સવાલ થવો સ્વાભાવિક છે.

આ સવાલનો જવાબ આશ્ચર્યજનક છે. અબજોની સંપત્તિનો માલિક ગેટ્સ બહુ મોંઘા ઘરમાં નથી રહેતો. તેના ઘરની કિંમત માત્ર 15 કરોડ ડોલર છે. ભારતીય રૂપિયામાં ગણો તો 1000 કરોડ રૂપિયાની લગોલગ થાય.
ગેટ્સનું ઘર ભલે મોંઘું ના હોય પણ અનોખું છે જ.

બિલ ગેટ્સનું ઘર વોશિંગ્ટનના મેડિનામાં છે. મેડિનાની વસતી માત્ર 2969 લોકોની છે. મેડિનામાં લેક વોશિંગ્ટન નામે વિશાળ સરોવર છે. આ સરોવરના કાંઠે 66,000 ચોરસ ફૂટ એટલે કે 6100 ચોરસ મીટરમાં બિલનું ઘર ફેલાયેલું છે. પેસેફિક લોજ સ્ટાઈલનું આ ઘર ડીઝાઈન તો બોહલિન સિવિન્સ્કી જેકસન અને કલ્ટર-એન્ટરસન આર્કિટેક્ટ્સે કર્યું પણ તેની પાછળનું ભેજું બિલ ગેટ્સનું છે.

બિલ ગેટ્સના ઘરનું નામ છે, ‘ઝેનેડ્યુ 2.0’.


બિલ ગેટ્સનું ઘર ટેકનોલોજી અને ઈન્ટેલેક્ચ્યુઆલિટીનો સંગમ છે. એકદમ કોમન સગવડો ગેટ્સના ઘરમાં છે જ પણ તેના કરતાં વધારે મહત્વની બાબત ટેકનોલોજીનો અદભૂત ઉપયોગ છે.
‘ઝેનેડ્યુ 2.0’માં સૌથી અફલાતૂન કોઈ ચીજ હોય તો એ તેની સેન્સર સિસ્ટમ છે. ‘ઝેનેડ્યુ 2.0’માં પ્રવેશનાર વ્યક્તિને એક પિન અપાય છે. આ પિન આખા ઘરમાં લગાવેલાં સેન્સર્સ સાથે ઈન્ટરેક્શ કરે છે. ગુજરાતીમાં કહીએ તો સંવાદ.  ઘરમાં ફરતા જાઓ તેમ તેમ તેની મદદથી તમે ધારો તે કરી શકો.

બિલે તેના ઘરમાં એવાં સેન્સર લગાવ્યાં છે કે, ઘરમાં પ્રવેશનાર વ્યક્તિ પોતાની મરજી પ્રમાણેનું તાપમાન અને લાઈટિંગ રાખી શકે. તમને ઠંડી જોઈતી હોય તો તમે ઓછું ટેમ્પરેટર કરી શકો ને એ માટે ઝાઝું કંઈ કરવાની જરૂર નથી. પિનની મદદથી કેટલું તાપમાન રાખવું છે તે એન્ટર કરો ને કેવી લાઈટ રાખવી છે તે એન્ટર કરો એટલે એક સેકંડમાં તો તમારી મરજી પ્રમાણેનું તાપમાન ને લાઈટિંગ થઈ જાય. આખા ઘરની દીવાલોમાં વોલપેપરની પાછળ સ્પીકર્સ લગાવેલાં છે. લાઈટિંગ પ્રમાણે આ મ્યુઝિક બદલાયા કરે.

બિલ ગેટ્સે આખા ઘરની દીવાલો પર જંગી કોમ્પ્યુટર સ્ક્રીન્સ લગાવેલાં છે તેના કારણે દીવાલ પર તમે ધારો તો પ્રકારનાં પિક્ચર સર્જી શકો. દસ વરસ પહેલાં બિલ ગેટ્સે 80 હજાર ડોલર્સ આ કોમ્પ્યુટર સ્ક્રીન્સ પાછળ ખર્ચેલા. આ દીવાલો પર બતાવવા માટે બિલ ગેટ્સે દુનિયાનાં શ્રેષ્ઠ કલાકારોનાં પેઈન્ટિંગ્સ પોતાના કોમ્પ્યુટર સિસ્ટમમાં સ્ટોર કર્યાં છે. હજારેની સંખ્યામાં અદભૂત પિક્ચર્સ દીવાલની સિસ્ટમમાં સ્ટોર કરાયેલાં છે. તમને ઈચ્છા થાય કે લીયોનાર્દો દા વિન્ચીનું ધ લાસ્ટ સપર દીવાલના બેકગ્રાઉન્ડમાં કરવું છે તો કરી શકો કે એમ.એફ. હુસૈનનું મીનાક્ષી બેકગ્રાઉન્ડમાં જોઈએ છે તો એ પણ કરી શકો.

હોલીવુડની કોઈ ક્લાસિક મૂવીનું પોસ્ટર દીવાલ પર જોઈતું હોય તો એ પણ આવી જાય ને કેલિફોર્નિયાના કુદરતી નઝારાનું ચિત્ર જોઈતું હોય તો એ પણ આવી જાય. આ સ્ટોરિંગ સિસ્ટમ માટે બિલ ગેટ્સે દોઢ લાખ ડોલર ખર્ચેલા. બિલ ગેટ્સને આ બધું સસ્તામાં પડે કેમ કે તેના માટે ઘરની ખેતી છે પણ બીજો કોઈ કરાવે તો ઓછામાં ઓછો દસ લાખ ડોલરનો ચાંલ્લો થઈ જાય.

‘ઝેનેડ્યુ 2.0’માં બીજી કમાલની ચીજ તેની લાયબ્રેરી છે આ લાયબ્રેરી ટ્રેડિશન અને ટેકનોલોજીના સંગમ જેવી છે. 2100 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી આ લાયબ્રેરીની છત ડોમ જેવી છે, તેમાં બે સીક્રેટ બુકકેસ છે. એક સીક્રેટ બુકકેસ ખોલો એટલે પાછો અંદર છૂપાવેલો બાર જોવા મળે. બીજો બુકકેસમાં વર્લ્ડની ક્લાસિક બુક્સ છે કે જેમાં  લાખો બુક્સ ડિજિટલી સચવાયેલી છે. આંગળીના ટેરવે બધી બુક્સની માહિતી છે ને તમે ઈચ્છો બુક આરામથી ઈઝી ચેરમાં પડ્યા પડ્યા વાંચી શકાય. બુક હાથમાં લેવાની પણ જરૂર નહીં.

મોટા સ્ક્રીન પર બુકની ડિજિટલ કોપી આવી જાય. વાંચતા જાઓ એમ સ્ક્રોલ કરતા જાઓ ને મજા કરતા જાઓ. વાંચીને થાકો તો તરત બંધ કરી દેવાનું ને ફરી ચાલુ કરો ત્યારે ફરી જ્યાંથી છોડ્યું હોય ત્યાંથી શરૂ કરવાનું.
બિલ ગેટ્સે લાયબ્રેરીના ડોમ પર ધ ગ્રેટ ગેટ્સબી નોવેલનું એક ક્વોટ છે. એફ. સ્કોટ ફિઝરાલ્ડ નામના અમેરિકને 1925માં લખેલી આ નોવલ પરથી 2013માં બાઝ લુહરમાને ફિલ્મ બનાવેલી. હોલીવુડના સ્ટાર લીયોનાર્દો દ કેપ્રિયો ને ટોબી મેગ્વાયર આ ફિલ્મમાં હતાં. આપણા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં નાનકડો રોલ કરેલો. બચ્ચન બાબુએ હોલીવુડમાં કરેલી આ એક માત્ર ફિલ્મ છે.

ધ ગ્રેટ ગેટ્સબીનું યાદગાર ક્વોટ લાયબ્રેરીના ડોમ પણ છે.
 
"He had come a long way to this blue lawn, and his dream must have seemed so close that he could hardly fail to grasp it."
 
મતલબ ?
આ બ્લુ લોન સુધી પહોંચવા આ માણસે બહુ સંઘર્ષ કરવો પડેલો ને તેનું સપનું એટલું પાસે હતું કે એ તેને પૂરું ના કરી શકે એવું બની જ ના શકે. ધ ગ્રેટ ગેટ્સબીના ક્વોટ ઉપરાં લાયબ્રેરીમાં લીયોનાર્દો દ વિન્ચીએ સોળમી સદીમાં લખેલી મેન્યુસ્ક્રીપ્ટ પણ છે. બિલ ગેટ્સે એક  હરાજીમાં 3.08 કરોડ ડોલરમાં ખરીદી હતી. અત્યારના ભાવે ગણો તો 200 કરોડ રૂપિયા થાય. 

બિલ ગેટ્સના ઘરની આ નાની ઝલક છે. આ ઘરની બીજી ખાસિયતો વિશે પછી ક્યારેક વાત કરીશું.
 

Share This:  

Recent Comments

Leave Comments

Top