કોરોના કાળમાં લોકો ઝડપથી ડિજિટલ દુનિયાની તરફ આગળ વધી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને યુઝર્સના ડેટાની સુરક્ષા માટે ટેક કંપનીઓની જવાબદારી પણ વધી ગઇ છે. ગૂગલે પણ ઘણી વખત કહ્યું છે કે, તે પોતાના યુઝર્સના ડેટાની સુરક્ષા અને ગોપનીયતા માટે પ્રતિબદ્ધ છે અને તેને જાળવવા માટે સતત પગલા ઉઠાવ્યા છે.
હવે ફરી એકવાર કોવિડ મહામારીને કારણે ડિજિટલ પ્લેટફોર્મમાં આવેલી તેજીને ધ્યાનમાં રાખીને ગૂગલ ઇન્ડિયાએ ઓનલાઇન સુરક્ષા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધારવા માટે નવી પહેલો અને કાર્યક્રમોની જાહેરાત કરી છે. ગૂગલે ભારતમાં ટ્રસ્ટ અને સુરક્ષા ટીમોના સંસાધનોનો વિસ્તાર કર્યો છે અને તે આઠ ભારતીય ભાષાઓમાં હશે.
આ ઉપરાંત કંપનીએ બાળકોની સાથે-સાથે માતા-પિતા માટે ઇન્ટરનેટ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરતા શૈક્ષણિક કાર્યક્રમો રજૂ કરવાનું પણ નક્કી કર્યું છે. સાથે જ ઇન્ટરનેટની દિગ્ગજ કંપનીએ લોકપ્રિય કોમિક બુક પાત્રોના માધ્યમથી બાળકોને મહત્વપૂર્ણ ઇન્ટરનેટ સુરક્ષાના પાઠ ભણાવવા માટે અમર ચિત્ર કથાની સાથે હાથ પણ મિલાવ્યો છે.
ગૂગલે તેની અખબારી યાદીમાં જણાવ્યું કે, કંપની પાસે વિશ્વવ્યાપી ટ્રસ્ટ અને સુરક્ષા ટીમો છે જે ટેકનોલોજીમાં કુશળ છે અને તે ઓનલાઈન નુકસાનને ઓળખવા, લડવા અને અટકાવવા માટે કામ કરે છે. સાથે જ લોકોને જાગૃત કરવા માટે 10થી વધુ સ્થાનિક ભાષાઓને ઉમેરવામાં આવી છે.
કંપનીએ ગૂગલ સેફ્ટી સેન્ટર પણ લૉન્ચ કર્યું છે અને તે હિન્દી, મરાઠી, મલયાલમ, કન્નડ અને તેલુગુ ભાષાઓ સાથે લાઇવ થઈ ગયું છે અને 2021ના અંત સુધીમાં તે બંગાળી, ગુજરાતી અને તમિલમાં પણ આવશે.