કાઠમંડુ ખીણના લલિતપુર મેટ્રોપોલિટન સિટી (LMC)માં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે અહીં કોલેરાના કેસમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં અહીં કોલેરાના 12 કેસ નોંધાયા છે. શનિવારે શહેરમાં પાણીપુરીના વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર પ્રશાસન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાણીપુરીમાં વપરાતા પાણીમાં કોલેરાના બેક્ટેરિયા મળી આવ્યા હતા.
શહેર પોલીસ વડા સીતારામ હચેથુના જણાવ્યા અનુસાર, શહેરમાં ભીડભાડવાળા વિસ્તારો અને કોરિડોર વિસ્તારોમાં પાણીપુરીના વેચાણને રોકવા માટે આંતરિક તૈયારીઓ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, શહેરમાં કોલેરા ફેલાવાનું જોખમ વધી ગયું છે.
આરોગ્ય અને વસ્તી મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાઠમંડુ ખીણમાં વધુ સાત લોકો કોલેરાથી સંક્રમિત થતા અત્યાર સુધીમાં કોલેરાના દર્દીઓની કુલ સંખ્યા અત્યાર સુધીમાં 12 પર પહોંચી ગઈ છે. રોગશાસ્ત્ર અને રોગ નિયંત્રણ વિભાગના નિયામક ચુમનલાલ દાસના જણાવ્યા અનુસાર, કાઠમંડુ મહાનગરમાં કોલેરાના પાંચ કેસ અને ચંદ્રગિરી નગરપાલિકા અને બુધનીલકંઠા નગરપાલિકામાં એક-એક કેસની ઓળખ કરવામાં આવી છે.
સંક્રમિતોની સારવાર ટેકૂ સ્થિત સુકરરાજ ટ્રોપિકલ એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીસ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ પહેલા રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં કોલેરાના પાંચ કેસ મળી આવ્યા હતા. સંક્રમિતોમાંથી બેને સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયે સતર્ક રહેવા જણાવ્યું
દરમિયાન, આરોગ્ય મંત્રાલયે લોકોને વિનંતી કરી છે કે કોલેરાના કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક તેમના નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લે. મંત્રાલયે દરેકને સતર્ક રહેવાની વિનંતી કરી છે.