NEET PG Exam: 21 મેના રોજ યોજાવા જઈ રહેલી આ વર્ષની NEET PGની પરીક્ષા સ્થગિત કરવાની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આમ કરવું પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓના હિતની વિરુદ્ધ હશે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, 2021ની મેડિકલ પીજી એડમિશન પ્રક્રિયા હજુ ચાલી રહી છે. તેથી 2022ની પરીક્ષાને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવે.
વાસ્તવમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ NEET PG પરીક્ષાને સ્થગિત કરવાની માંગ કરી હતી. IMA દ્વારા સ્વાસ્થ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાને પત્ર લખીને NEET PG 2022ની પરીક્ષા મોકૂફ રાખવાની વિનંતી કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે, NEET PG 2022ની પરીક્ષા 21 મેના રોજ લેવામાં આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ NEET PG 2021 કાઉન્સેલિંગમાં વિલંબને કારણે પરીક્ષા મોકૂફ રાખવાની માંગ કરી રહ્યા હતા. જે બાદ IMAએ પણ સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને પરીક્ષાની તારીખને લંબાવવા પર વિચાર કરવા જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરીક્ષા મોકૂફ રાખવાની માંગ
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association)એ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યોમાં ખાલી જગ્યાઓ માટે કાઉન્સેલિંગ મેના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. IMAએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે 05 થી 10 હજાર ઈન્ટર્ન, જેમણે કોરોના મહામારી દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી છે, તેઓ તેમની પરીક્ષાઓ પૂર્ણ થવામાં વિલંબને કારણે NEET PG માટે હાજર રહી શકશે નહીં. તેથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને NEET PGની પરીક્ષાને થોડા દિવસો માટે મોકૂફ રાખવામાં આવે. જો કે, કોર્ટે આ માંગને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આમ કરવું પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓના હિતની વિરુદ્ધ હશે.