બોલિવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરનાર દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેઓનું પણ આ માયાનગરીમાં આલીશાન ઘર હોય. હવે નવાઝુદ્દીન સિદ્દીકીએ આ સપનાને સાકાર કર્યું છે. તેમણે મુંબઈમાં એક લક્ઝરી બંગલો બનાવ્યો છે. હવે આ બંગલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
ડિઝાઇનિંગમાં લાગ્યા 3 વર્ષ
નવાઝુદ્દીન સિદ્દીકી મુંબઈમાં તેમના આલીશાન ઘર માટે ઈન્ટિરિયર ડિઝાઈનર બન્યા છે અને તેના પરિણામો ખૂબ જ પ્રભાવશાળી દેખાય છે. ફિલ્મોમાં એક દાયકા પૂર્ણ કર્યા પછી પીઢ અભિનેતા માયાનગરીમાં પોતાના માટે ઘર બનાવવામાં સફળ થયા છે. અભિનેતાએ બંગલાના ઈન્ટિરિયરમાં ત્રણ વર્ષ વિતાવ્યા છે, જે તેમના વતન બુઢાણામાં તેમના જૂના ઘરથી પ્રેરિત હોવાનું કહેવાય છે. ઘરની સૌથી સારી વાત એ છે કે અભિનેતાએ તેમના પિતાના સન્માનમાં પોતાના બંગલાને ‘નવાબ’ નામ આપ્યું છે.
2022માં ઘણી ફિલ્મોમાં જોવા મળશે નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીનું આગામી મહિનાઓમાં ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ છે. આ દિવસોમાં તેઓ કંગના રનૌત (Kangana Ranaut) દ્વારા નિર્મિત ‘ટીકુ વેડ્સ શેરુ’માં કામ કરી રહ્યા છે. સાઈ કબીર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે અવનીત કૌર છે. આ સિવાય અભિનેતા ટાઈગર શ્રોફ સ્ટારર હીરોપંતી 2માં પણ વિલનના રોલમાં જોવા મળશે.
થોડા દિવસ અગાઉ નવાઝુદ્દીન સિદ્દીકીએ મીડિયાને કહ્યું હતું કે, “2022 મારા માટે ખૂબ જ રોમાંચક રહેશે કારણ કે હું ઘણા પ્રોજેક્ટ્સ અને ફિલ્મો વચ્ચે કામ કરી રહ્યો છું. હું મારી બધી ફિલ્મોની રિલીઝ અને શૂટિંગ શેડ્યૂલની રાહ જોઈ રહ્યો છું. ઘણી વસ્તુઓ પાઇપલાઇનમાં છે. મારી પાસે 5-6 ફિલ્મો છે, કેટલીક રિલીઝ માટે તૈયાર છે અને કેટલીકનું હું શૂટિંગ કરી રહ્યો છું. એકંદરે, 2022 સૌથી વ્યસ્ત વર્ષ હશે.”