નવસારી એલસીબી પોલીસ દ્વારા આંતર રાજ્ય બાઇક ચોરીનો રેકેટ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે અને બે આરોપીને ઝડપી પાડી અન્ય ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યના 21 ગુના ઉકેલવામાં પોલીસ સફર રહી છે. નવસારી જિલ્લામાં બાઇક ચોરીની ઘટના સામે આવતા નવસારી એલસીબી પોલીસ એલર્ટ થઈ હતી અને ચોરી થયેલા વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી તેમજ ટેકનિકલ સોર્સ દ્વારા વાહન ચોરીના ગુના ઉકેલવા માટે પોલીસ કામે લાગી હતી અને જેમાં પોલીસને મધ્યપ્રદેશના કેટલાક ઈસમો વાહન ચોરી કરી જતા દેખાયા હતા જેને લઈને પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેની બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે જલાલપુર ગાંધી ફાટક ઓવરબ્રિજ પર હાંસાપરથી અબ્રામા થઈ બીલીમોરા જતા ત્રણ રસ્તા ખાતેથી મધ્ય પ્રદેશ બાઈક ચોરી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. જેમાં વિલેશ ઉર્ફે વિલીયા જુગડીયા ચોગડ અને અન્ય એક નાબાલીક કિશોરને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા તેઓ સુરત ખાતે મજૂરી કામ કરતા હતા અને અન્ય વિસ્તારોમાં જઈ જે બાઈકના સ્ટેરીંગ લોક ન હોય તેવા બાઈક ડાયરેક્ટ કરી ચોરી કરી અને મધ્યપ્રદેશ રાજ્ય ખાતે મોકલી આપવામાં આવતા હતા. જ્યાં નજીવી કિંમતમાં આવા વાહનો વગળ કાગળે વેચી દેવામાં આવતા હતા.
પોલીસે આ બંને આરોપીઓ પાસેથી કુલ 21 વાહનો કબજે કરવામાં સફળતા મળવી છે જેમાં બંને આરોપી પાસેથી એક બાઈક અને મધ્યપ્રદેશના અલીરાજપુરના સોઢવા અને સુમનીયાવાડ ગામ ખાતેથી ૨૦ બાઈકો કબજે કરવામાં આવી છે અને જેના થકી ગુજરાત રાજ્યના સાત જિલ્લાઓના 21 ગુનાઓ ઉકેલવામાં નવસારી એલસીબી પોલીસને સફળતા મળી છે. જેમાં નવસારી જિલ્લાના ચાર, સુરત શહેરના ચાર, સુરત ગ્રામ્ય વિસ્તારના ચાર, છોટા ઉદયપુરના છ, ભરૂચનો એક, પંચમહાલનો એક અને વડોદરા શહેરનો એક આમ મળી કુલ 21 ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે.
વિલાસ આ સમગ્ર ટોળકીનો માસ્ટરમાઈન્ડ હતો જેની ધરપકડ થઈ છે ત્યારે અન્ય ૪ વોન્ટેડ આરોપીઓમાં રિતેશ નસરીયા ચોગડ, ભીલુ મલસીંગ ભીંડે, શૈલેષ ઝંડુ કિરાડ અને સચિન જુગડિયા ચોગડને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જે બાઈક કબજે કરી છે જેમાં બુલેટ, હીરો સ્પ્લેન્ડર, હીરો સીડી ડીલક્ષ, પેસન પ્રો, હોન્ડા સાઈન અને બજાજ પલ્સર જેવી બાઈકોનો સમાવેશ થાય છે. આ તમામ બાઈકની કિંમત 5,50,000 જેટલી થઈ રહી છે. પોલીસે આ તમામ સામે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.