નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આમધરા ગામે માજી મહિલા સરપંચ દ્વારા પોતાની જમીનમાં સરકારની મનરેગા યોજના હેઠળ કુવો મંજૂર કરાવી કુવો ન બનાવી 4.50 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરી ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજીમાં આપવામાં આવી છે.
સ્થાનિક જીગર પટેલના જણાવ્યા અનુસાર, ચીખલીના આમધરા ગામે માજી મહિલા સરપંચ રૂપલબેન પટેલ દ્વારા પોતાની જ જમીનમાં મનરેગા યોજના હેઠળ કુવો ખોદાવવાનો ઠરાવ ગ્રામપંચાયતમાં કરવામાં આવ્યો હતો. જે બાદ આ જમીનમાં કુવો ન બનાવી 4.50 લાખ રૂપિયાની રકમનું ચુકવણું કરી દીધું હતું.
આ અંગે ગામના જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેમાં આ તમામ બાબત બહાર આવ્યા બાદ ચીખલી તાલુકા વિકાસ અધિકારીને ગામના જાગૃત નાગરિક દ્વારા માજી મહિલા સરપંચ દ્વારા 4.50 લાખની ઉચાપત કર્યાની લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
સાથે જ ગ્રામજનો દ્વારા 14માં તેમજ 15માં નાણા પંચના પણ રૂપિયાનો દૂર ઉપયોગ કરી માત્ર કાગળ ઉપર કામો બતાવી રૂપિયાની સરપંચ દ્વારા ઉચાપત કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અંગે યોગ્ય તપાસ થાય તેવી જ માંગ ગ્રામજનો કરી રહ્યા છે.
રિપોર્ટઃ હિતેશ વાઘેરા, નવસારી