છેલ્લા 2 વર્ષ કરતા વધી સમયથી કોરોના મહારમારીએ કહેર વર્તાવ્યો છે. આ કોરોનાકાળમાં લોકોની હાલત ભલે દયનિય બની હોય પણ ફાર્માસ્યુટિકલને જાણે લોટરી લાગી છે!. કોરોના મહામારીના કારણે દવાઓના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે.
કોરોના મહામારીમાં દવાની માગ વધતા મેડિકલ સ્ટોર્સ દ્વારા ગેરલાભ ઉઠાવી વધુ નફો રળવામાં આવ્યો છે. ત્યારે સરકાર પણ આ મામલે સચેત બની છે અને તોલમાપ વિભાગની ટીમ દ્વારા મેડિકલ સ્ટોર્સમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
તોલમાપ વિભાગની ટીમની તપાસ દરમિયાન અનેક મેડિકલ સ્ટોર્સમાં પેકિંગ પર MRP સાથે છેડછાડ કરતા હોવાનું સામે આવ્યું છે. જેને કારણે આવા મેડિકલ સ્ટોર્સ માલિકોને 5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પ્રકારની ડ્રાઈવ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં પ્રથમ વખત યોજાઈ છે.
રાજ્યના દર્દીઓ મેડિકલ સ્ટોર્સમાં છેતરાય નહીં તે હેતુસર સરકાર દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન અમદાવાદ અને વડોદરા સહિત 40 એકમોમાં નિયમોનો ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ સામે દંડ સહિત કડક પગલાં લેવામાં આવ્યા છે.
કાર્યવાહી કરવામાં આવેલા એકમોમાં સૌથી વધુ 9 એકમો વડોદરાના છે જ્યારે અમદાવાદના 5, રાજકોટના 6, જામનગરના 5, સુરેન્દ્રનગરના 3, પાલનપુરના 4, મહેસાણાના 2, સાબરકાંઠાના 2 તથા કચ્છના 2 એકમોનો સમાવેશ થાય છે.