નર્મદા જિલ્લામાં વન્ય પ્રાણીના ચામડાની હેરાફેરી ઝડપાતા વન વિભાગ ચોંકી ઉઠ્યું છે. જેમાં 15 લાખની કિંમતના વાઘ જેવા વન્ય પ્રાણીના સુકા ચામડાની હેરાફેરી કરતા શખ્સને નર્મદા જિલ્લાની સાગબારા પોલીસે ઝડપી પાડ્યો છે.
પોલીસે ઝડપાયેલ શખ્સ પાસેથી ટાટા હેરીયર ગાડી, બે મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ 15,57,485 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પર વોચ રાખી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત સાગબારા પોલીસ ઈન્સપેક્ટર કેએલ ગળતરે પોતાના સ્ટાફ સાથે ઘનશેરા ચેક પોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની મહારાષ્ટ્ર પાસિંગની MH 19 CV 3112 નંબરની ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકવા પ્રયાસ કર્યો હતો.
જોકે, ગાડીના ચાલકે ગાડી ઉભી ના રાખતા ડેડીયાપાડા તરફ હંકારી હતી. આ દરમિયાન પોલીસે ગાડીને સાગબારા પોલીસ સ્ટેશન સામે હાઈવે રોડ પર પકડી પાડી ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં ગાડીમાંથી વાઘ જેવા અન્ય પ્રાણીનું સુકુ ચામડું મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મહારાષ્ટ્રના ધુલીયામાં રહેતા કિશોર ભટ્ટ અહીરેને 2 નંગ મોબાઈલ, રોકડ રૂપિયા 47 હજાર અને ગાડી સહિતના 15 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.