બોડેલી તાલુકાના પાટણા ગામે નર્મદા નિગમ દ્વારા ખેડૂતોના ખેતરમાં પાઇપ લાઈન માટે ખોદકામ કરી કામગીરી અધૂરી રાખતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
મળતી માહિતી મુજબ, બોડેલી તાલુકાના પાટણા ગામે ખેતરોમાંથી નર્મદા નિગમ દ્વારા એજન્સી મારફતે પાઈપ લાઈનની કામગીરી ચાલી રહી છે પણ એજન્સી દ્વારા કામગીરી અધૂરી છોડી દેતાં ખેડૂતો ખેતીને લાગતી કામગીરી ન કરી શકતા નારાજગી જોવા મળી રહી છે.
નર્મદા માઈનોર કેનાલમાંથી નર્મદા નિગમ દ્વારા ઢાળીયાને બદલે અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાટણા ગામે મુખ્ય રોડથી નજીક આશરે 20થી 25 જેટલા ખેતરોમાં સીધી લાઈન ખોદી નાખતાં હવે વરસાદના સમયે ખેડૂતો વાવણી સહિતની કામગીરી કરવા જઈ શકતા નથી. પોતાના જ ખેતરમાં ખેડૂતોને જવા માટે તંત્ર દ્વારા અડચણ ઊભી થતાં ખેડૂતો દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
પણ એજન્સી દ્વારા પાટણા ગામે આવેલા ખેતરોમાં પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલતી હતી પણ તે સમય દરમિયાન જ 250 એમએમના પાઈપ ખૂટી પડ્યા અને સમયસર ન મળતાં કામગીરી હાલના સમયમાં અટકી પડી છે. હવે માથે ચોમાસુ છે અને તેવામાં ખેતરોમાં ખાડા ખોદીને ઇજારદાર જતાં રહ્યાં છે ત્યારે પાણી ભરાશે તો તેમાં થનારું નુકસાન કોણ ભરપાઈ કરશે તેવો સવાલ પણ ઉઠ્યો છે.