Kuldhara Village is Mysterious: ભારતના સૌથી રહસ્યમય ગામોમાંથી એક રાજસ્થાનની કુલધરાનું નામ ટોચ પર આવે છે, જે જેસલમેરથી 14 કિલોમીટર દૂર આવેલું છે. કુલધરા ગામ છેલ્લા 200 વર્ષથી વેરાન પડ્યું છે. રણ ક્ષેત્રમાં આવેલું કુલધરા ગામ ખુબ સુંદર છે, પરંતુ અહીં રહેતા તમામ લોકો 200 વર્ષ પહેલા રાતોરાત પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયા હતા અને ક્યારેય પાછા નથી આવ્યા.
પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે આ ગામ
200 વર્ષ પહેલા કુલધરા ગામમાં પાલીવાલ બ્રાહ્મણો રહેતા હતા અને આ ગામ જેસલમેર રજવાડાના સૌથી સુખી ગામોમાંનું એક ગામ હતું. આ ગામમાંથી રજવાડાને સૌથી વધુ આવક થતી હતી, કારણ કે અહીં અનેક પ્રકારના તહેવારો, પરંપરાગત નૃત્યો અને સંગીત મહોત્સવો થતા હતા. જો કે હાલ આ ગામ પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે.
લોકોએ રાતોરાત કુલધારા ગામ કેમ છોડી દીધું?
એક રિપોર્ટ મુજબ, ગામમાં એક યુવતીના લગ્ન થવાના હતા, જે ખુબ જ સ્વરૂપવાન હતી. તે દરમિયાન જેસલમેર રજવાડાના દિવાન સલીમ સિંહની નજર તે યુવતી પર પડી અને તેની સુંદરતા જોઈને તેમણે યુવતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. સલીમ સિંહ એક જુલમી વ્યક્તિ હોવાનું કહેવાય છે અને તેમની ક્રૂરતાની કહાનીઓ દૂર-દૂર સુધી પ્રખ્યાત હતી. જેથી કુલધરા ગામના લોકોએ યુવતીના લગ્ન સલીમ સિંહ સાથે કરવાની ના પાડી દીધી હતી.
સલીમ સિંહના ડરીથી લોકોએ ગામ છોડી દીધું
લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકાર્યા બાદ સલીમ સિંહે ગામના લોકોને વિચારવા માટે થોડા દિવસનો સમય આપ્યો, પરંતુ તે પછી પણ તેઓ તૈયાર નહોતા. જો કે ગ્રામજનોને ખબર હતી કે સલીમસિંહની વાત ન માનવા પર તેમની ભારે કિંમત ચૂકવવી પડશે અને સલીમ સિંહ બધાની હત્યા કરી નાખશે. આ પછી ગામના લોકોએ તેમની દીકરી અને તેમના ગામની ઇજ્જત બચાવવા માટે કુલધારા ગામને કાયમ માટે છોડી દેવાનું નક્કી કર્યું.
લોકો પોતાનો સામાન લઈને ગામ છોડીને જતા રહ્યા
ચૌપાલમાં પંચાયત કર્યા બાદ તમામ ગ્રામજનોએ એક સાથે કુલધરા ગામ છોડવાનું નક્કી કર્યું હતું અને પોતાનો બધો જ સામાન, ઢોરઢાંખર, અનાજ અને કપડાં લઈને રાતોરાત ઘર છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા હતા. એ પછી કોઈ પાછું આવ્યું નથી.
જેસલમેરમાં આજે પણ આવેલી છે સલીમ સિંહની હવેલી
જેસલમેર રજવાડાના દિવાન સલીમસિંહની હવેલી આજે પણ જેસલમેરમાં હાજર છે, પરંતુ તેને જોવા માટે કોઈ જતું નથી. સાથે જ કુલધરા ગામમાં બનેલા પથ્થરના મકાનો પણ ધીરે ધીરે ખંડર બની ગયા છે.