રાજકોટમાં ભૂમાફિયાના હુમલાથી ઈજાગ્રસ્ત થયેલા કારખાનેદારનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જે બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે, હૈયાફાટ રૂદનથી એક મહિલા બેભાન થઇ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સોસાયટીના રહીશો ન્યાયની માંગ સાથે સિવિલ હોસ્પિટલમાં ધરણાં પર બેસી ગયા છે અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. એક મહિલાએ આક્રોશ સાથે જણાવ્યું કે, ‘અમે હવે થાકી ગયા, પોલીસ બંગડીઓ પહેરી લો. સીપી સાહેબ ક્યાં ગયા, આવો અહીં. જવાબદારો સામે કાર્યવાહી કરો.’
તો મૃતકના પુત્ર બ્રિજેશે જણાવ્યું કે, ‘જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. રાજકોટ પોલીસ પર ભરોસો નથી. આ કેસથી વાકેફ ન હોય તેવા તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ થવી જોઈએ.’ સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, ‘છેલ્લાં ચાર વર્ષથી આ લોકો અમને હેરાન કરે છે, પહેલાં 35-35 જણા આવતા હતા. અરજી કરી છતાં યુનિવર્સિટી પોલીસે ક્યારેય ધ્યાન જ આપ્યું નથી.’
શું છે સમગ્ર મામલો?
રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં ભૂમાફિયાઓ દ્વારા મકાન ઓછી કિંમતે વહેંચી દેવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સ્થાનિકો દ્વારા સોસાયટી બહાર પોલીસ રક્ષણ પણ માંગવામાં આવ્યું હતું. જોકે, 4 દિવસ પહેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં મોડી રાત્રે 5 જેટલા ભૂમાફિયાઓએ નશાની હાલતમાં હંગામો મચાવ્યો હતો. સોસાયટીવાસીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ પથ્થરમારામાં અવિનાશ ધુલેશિયા નામના વ્યક્તિના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જેમાં ગત રોજ 48 કલાકની ટૂંકી સારવાર દરમિયાન અવિનાશ ધુલેશિયાનું મૃત્યુ નીપજ્યું છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને યુનિવર્સિટી પોલીસ દ્વારા રવિ વાઢેર, હિરેન વાઢેર, વિજય રાઠોડ અને પરેશ ચૌહાણ નામના ચાર આરોપીની ધરપકડ કરી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓ રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં છે.