છેલ્લા બે દિવસથી સાંસદો સસ્પેન્શન સામે વિરોધ કરી રહ્યા છે. કુલ 27 વિપક્ષી સાંસદો (23 રાજ્યસભા અને 04 લોકસભા સાંસદો) બુધવારે સવારે 10 વાગ્યાથી સંસદ ભવનમાં વિરોધ કરી રહ્યા છે અને સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ કરી રહ્યા છે. જો કે સંસદ ભવનમાં ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેઠેલા સાંસદોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મચ્છરોએ તેમની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ખુલ્લી જગ્યાના કારણે તેમને સૂવામાં મુશ્કેલી પડી રહી છે.
એવામાં ઊંઘ પૂરી થઈ શકે એ માટે ગઈકાલે રાત્રે સાંસદો મચ્છરદાની લગાવીને ઊંઘતા જોવા મળ્યા હતા. AAP સાંસદ સંજય સિંહ, TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયન, સુષ્મિતા દેવ અને મૌસમ બેનઝીર નૂર મચ્છરદાનીમાં જોવા મળ્યા હતા. આ પહેલા સાંસદો કોઇલ સળગાવીને સૂતા જોવા મળ્યા હતા. આનો એક વીડિયો કોંગ્રેસના સાંસદ મનિકમ ટાગોરે ટ્વીટ કર્યો હતો. ટ્વીટમાં એમના એક હાથ પર મચ્છર બેસેલું જોવા મળ્યું હતું. સાથે જ આ વીડિયોમાં કોઇલ પણ સળગતી જોવા મળી હતી.
વીડિયો ટ્વીટ કરીને તેમણે કહ્યું હતું કે, “સંસદમાં મચ્છરો છે, પરંતુ વિપક્ષના સાંસદો ડરતા નથી. મનસુખ માંડવિયાજી મહેરબાની કરીને સંસદમાં ભારતીયોનું લોહી બચાવો. અદાણી તો બહાર લોહી ચૂસી જ રહ્યા છે.”
Mosquitoes in Parliament but Opposition MPs are not afraid… @mansukhmandviya ji kindly save blood of Indians in Parliament … outside Blood are suck by Adani . #ParliamentMonsoonSession pic.twitter.com/tEpXyBuM44
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) July 27, 2022
બીજી તરફ, મચ્છરદાનીમાં સૂવા અંગે, AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું, “સસ્પેન્શન પછી સંસદમાં ધરણાની આ બીજી રાત છે. આજે પત્નીએ આ મચ્છરદાની મોકલી છે. તેનાથી ઘણી રાહત છે. પરંતુ ગુજરાતના એ 75 પરિવારોનું શું જેમના ઘરોમાંથી અર્થીઓ ઉઠી ગઈ. કેટલાયના નાના-નાના બાળકો અનાથ બન્યા, તો ઘણા ઘરોમાં તેઓ એકમાત્ર કમાનાર હતા. અનેક લોકોની ફરિયાદ હોવા છતાં ઝેરી દારૂ આખા ગુજરાતમાં કેવી રીતે બની રહ્યો છે. ગુજરાતમાં તો દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
ટીએમસી સાંસદ ડોલા સેને કહ્યું કે એ વાત સાચી છે કે સંસદ ભવનમાં મચ્છર ઘણા છે. પરંતુ મચ્છર અમારા એજન્ડામાં નથી. મોંઘવારી અને GST જેવા જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ અમારા એજન્ડામાં મહત્વપૂર્ણ છે. રહી વાત રાતે ઊંઘ આવવાની તો ખુલ્લા આકાશ નીચે કેવી ઊંઘ આવે છે તે કહેવાની જરૂર નથી. આ સિવાય ટીએમસીના સાંસદ ડેરેક ઓ’બ્રાયને પણ ધરણા સ્થળની તસવીર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે સાંસદોનું ધરણા પ્રદર્શન આજે બપોરે 12 વાગે સમાપ્ત થશે.