રાજ્યમાં હજી ચોમાસાની શરૂઆત નથી થઈ ત્યાં મહેસાણા શહેરના બાયપાસ હાઈવે પર પાંચોટ સર્કલથી ONGC સુધીના રોડ પર ગાબડાનું સમ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર પડેલા મસમોટા ગાબડાને પગલે વાહનચાલકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે.
કમરના મણકા ભાંગી નાખે તેવા મસમોટા ગાબડાને કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. આ રોડના સમારકામને લઈ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
આખરે હવે લોકોની રજૂઆતને ધ્યાને રાખી મહેસાણા સાંસદ શારદાબેન પટેલ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક ધોરણે ચોમાસા પહેલા રોડ રિપેર કરવા રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે મહેસાણા શહેરનો બાયપાસ પાલાવાસણાથી હિંમતનગર હાઈવે ઓથોરિટી હસ્તક આવેલો છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદથી પાલનપુર તરફ જતા તેમજ બહુચરાજી, મોઢેરા અને ચાણસ્મા તરફથી મહેસાણા તરફ આવતા વાહનચાલકો બાયપાસ હાઈવેનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ બિસ્માર રસ્તાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે.