ભોપાલ:મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે તો બીજી તરફ કોગ્રેસે ભાજપના ગઢ મનાતા આ રાજ્યમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, રાજ્યમાં કોઇને પણ સ્પષ્ટ બહુમતી ના મળે તેવા આંકડાઓ જોવા મળી રહ્યા છે. મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાંથી કોગ્રેસ 115 બેઠકો પર આગળ છે જ્યારે ભાજપ 108 બેઠકો પર આગળ અને અન્ય સાત બેઠકો પર આગળ છે.
અહી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવવા માટે 116 બેઠકો હોવી જરૂરી છે ત્યારે જો ભાજપ અને કોગ્રેસને બેમાંથી એકપણને બહુમતી ના મળે તો તેઓને અન્ય કોઇના સમર્થન લેવું જરૂર બની જશે. મધ્યપ્રદેશ વિધાનસભાના પરિણામની સ્થિતિ મોડી રાત્રે સ્પષ્ટ થશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બુધની વિધાનસભા બેઠક પરથી વિજય મેળવ્યો હતો. રાજ્યની તમામ બેઠકો પર 28 નવેમ્બરના મતદાન થયું હતું. રાજ્યમાં વારંવાર સ્થિતિ બદલાઇ રહી છે.
જો બહુમતી નહીં મળે તો કોગ્રેસ એસપી અને બીએસપીનું સમર્થન લઇને સરકાર બનાવી શકે છે. હાલમાં કોગ્રેસ 115 બેઠકો પર આગળ છે. જ્યારે બીએસપી 4 બેઠકો પર આગળ છે. એવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોગ્રેસ બીએસપી અને એસપીને સાથે લઇને સરકાર બનાવવાના પ્રયાસો કરશે. માયાવતી અહીં કિંગમેકર બની શકે છે.
મધ્યપ્રદેશમાં આગામી કોગ્રેસના મુખ્યમંત્રી કોણ હશે તેવી પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથ મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ છે. સમાજવાદી પાર્ટી તરફથી રામગોપાલ યાદવે કહ્યું હતું કે, ભાજપની ખોટી નીતિઓએ દેશને બરબાર કર્યો છે અને આ તેનું પરિણામ છે. પરિણામોની સ્થિતિ સ્પષ્ટ થયા બાદ અમે ગઠબંધન પર વાત કરીશું. કોગ્રેસે ગઠબંધન માટે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ગોંડવાના ગણતંત્ર પાર્ટીના નેતાઓ સાથે સંપર્ક કર્યો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.
ભાજપના રાજ્યસભાના સાંસદ સંજય કકાડેએ કહ્યું હતું કે હું જાણતો હતો કે રાજસ્થાન અને છત્તીસગઢમાં અમે હારી રહ્યા છીએ પરંતુ મધ્યપ્રદેશના પરિણામો ચોંકાવનારા છે. મને લાગે છે કે 2014માં મોદીએ વિકાસના જે વચનો આપ્યા હતા તે ભૂલી ગયા છે. રામ મંદિર, મૂર્તિ અને નામ બદલવાના કામો પર પાર્ટી વધુ ફોક્સ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં વિધાનસભાની કુલ 230 બેઠક છે, જેમાંથી બહુમત માટે 116 બેઠક મળવી જરૂરી છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે 75 ટકા કરતાં પણ વધુ મતદાન થયું હતું. અહીં 2013ની વિધાનસભા ચૂંટણીમાં 72.13 ટકા મતદાન નોંધાયું હતું.