દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે રસાકસી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં રહી. લગભગ 24 કલાકની મતગણતરી બાદ રાષ્ટ્રીય ચૂંટણી પંચે બુધવારે વહેલી સવારે મધ્ય પ્રદેશ વિધાનસભાની તમામ 230 બેઠકોનાં પરિણામ જાહેર કર્યાં છે. આ પરિણામોમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે.
મધ્ય પ્રદેશ વિધાનસભાની 230 બેઠકોમાંથી કોંગ્રેસને 114 બેઠકો મળી છે જ્યારે ભાજપને 109 બેઠકો મળી છે. સ્પષ્ટ બહુમતી માટે 116 બેઠકો જોઈએ એ જોતાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ભલે ઉભરી પણ સ્પષ્ટ બહુમતીમાં તેને હજુ 2 બેઠકો જોઈએ છે. ભાજપને તો સ્પષ્ટ બહુમતી માટે 7 બેઠકો જોઈએ છે. એવામાં બસપા નેતા માયાવતીએ જાહેરાત કરી છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેમાં સરકાર રચવા માટે કોંગ્રેસને સમર્થન કરશે.
કોંગ્રેસ અને ભાજપ સિવાય બહુજન સમાજ પાર્ટી (બસપા)ને 2 અને સમાજવાદી પાર્ટી (સપા)ને 1 બેઠક મળી છે. 4 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટાયા છે. કોંગ્રેસે મધ્ય પ્રદેશમાં પોતાની જીતના દાવા સાથે સરકાર રચવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસના મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે મંગળવારે રાત્રે જ રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. તેમણે સરકાર રચવાના દાવા અંગે ચર્ચા માટે વહેલી તકે સમય ફાળવવા આનંદીબેન પટેલને વિનંતી કરી છે.
મોડી રાત્રે રાજભવન દ્વારા કમલનાથે લખેલો આ પત્ર મલી ગયો હોવાની વાતને સમર્થ અપાયું હતું. મધ્ય પ્રદેશમાં કમલનાથ મુખ્યમંત્રીપદના સૌથી પ્રબળ દાવેદાર છે પણ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રેસમાં છે. સિંધિયા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની નજીક હોવાથી તેમની શક્યતા પણ નકારી શકાતી નથી.