મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથ હશે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના નામ પર મહોર લગાવી દીધી હોવાની વાતો સામે આવી રહી છે. મોડી સાંજે ધારાસભ્ય દળોની બેઠકમાં કમલનાથના નામનું એલાન કરી દેવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બંન્નેમાં રાહુલ ગાંધીએ યુવા જોશને ધ્યાને ન લઈ અનુભવ વાળા નેતાઓને રાજ્યની કમાન સૌંપવાનું કામ કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાની રેસમાં યુવા શક્તિ આગળ અનુભવે બાજી મારી લીધી છે. અશોક ગેહલોતનું નામ લગભગ નક્કી દેખાઈ રહ્યું છે. ઔપચારિક જાહેરાત સાંજે 4 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે. જ્યારે બીજી તરફ સચિન પાયલટના સમર્થકોને મનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. અશોક ગેહલોતના ઘર પર ફટાકડા ફુટવાના શરૂ પણ થઈ ગયા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓના નામનું એલાન કરશે. સચિન પાયલટ, અશોક ગેહલોત તેમજ અન્ય નેતા રાહુલ ગાંધી સાથે બેઠક કરશે. છત્તીસગઢમાં કોંગ્રેસને 90માંથી 67 સીટો મળી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 114 સીટો મળી છે, રાજસ્થાનામાં કોંગ્રેસની પાસે 99 સીટો છે, બસપાએ પણ તેને સમર્થન માટે જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી પદ માટેનું દંગલ હવે ઝડપી થતું જઈ રહ્યું છે. સચિન પાયલટના સમર્થક દિલ્હીમાં કોંગ્રેસ દફ્તરની બહાર નારેબાજી કરી રહ્યા છે. આ પહેલા જયપુરમાં પણ સચિન પાયલટ અને અશોક ગેહલોતના સમર્થકોએ નારેબાજી કરી હતી. સચિન પાટયલ રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ છે, તેમની આગેવાનીમાં જ પાર્ટીએ જીત નોંધાવી છે. સમર્થકો સતત સચિન પાયલટના મુખ્યમંત્રી બનવાની માંગ કરી રહ્યા છે.
રાહુલ ગાંધીના ઘરે પહોંચી પ્રિયંકા ગાંધી વાડ્રા
સંસદ ભવનથી રાહુલ ગાંધી એક વાર ફરીથી પોતાના ઘરે પહોંચ્યા હતા. હવે એક વાર ફરીથી મુખ્યમંત્રી કોણ બનશે તેના પર મંથન ઝડપી થઈ ગયુ છે. સૂત્રોની માનીએ તો હવે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રાહુલના ઘરે પહોંચી હતી. ટુંક સમયમાં સીએમના નામની જાહેરાત કરાશે.
દિગ્વિજયના દીકરા સાથે 30 ધારાસભ્યો
એક તરફ જ્યાં મધ્યપ્રદેશમાં CMના નામ પર સસ્પેન્સ બનેલું છે તો બીજી તરફ સૂત્રોની માનીએ તો મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના દીકરા જયવર્ધન સિંહે બુધવારે લગભગ 30 ધારાસભ્યો સાથે અલગથી બેઠક કરી હતી. તમને જણાવી દઈએ કે દિગ્વિજય સિંહ ચૂંટણી દરમિયાન શાંત રહ્યા હતા, તેઓએ કોઈ નિવેદન આપ્યુ નહોતું. જો કે, દિગ્વિજય રાજ્યની રાજનીતિ પર જીણવટથી નજર રાખીને બેઠેલા છે.
રાહુલ બોલ્યા- ટુંક સમયમાં થશે નિર્ણય
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે અમે પાર્ટીના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો પાસેથી તેમની સલાહ લીધી છે. ટુંક સમયમાં મુખ્યમંત્રીના નામ પર નિર્ણય કરાશે.