બોલિવૂડ અભિનેત્રી મૌની રોય અને સુરજ નામ્બિયારના લગ્નની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. આખરે મૌની રોયના લગ્ન થઇ ગયા છે. મૌની રોય અને સુરજ નામ્બિયારના લગ્ન મલાયલમ રિવાજો મુજબ પૂર્ણ થયા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. મૌની અને સુરજે ગોવાના એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં લગ્ન કર્યા છે.
લગ્ન માટે મૌની રોયે સફેદ રંગની ગોલ્ડન અને લાલ બોર્ડરવાળી સાડી પહેરી હતી. મૌની સાઉથ ઈન્ડિયન બ્રાઈડ બની હતી, ત્યારે જ્વેલરી પણ એવી જ પહેરી હતી. કમરબંધ, ચોકર સેટ અને ગણપતિના પેન્ડન્ટવાળા લાંબા સેટની સાથે મૌનીએ વાળમાં ગજરો નાખ્યો હતો. સુરજે લગ્ન માટે ગોલ્ડન રંગના કૂર્તા પર પસંદગી ઉતારી હતી. દક્ષિણ ભારતની પરંપરા મુજબ લગ્ન વખતે લૂંગી પહેરી હતી. લગ્ન બાદ કપલે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો.
આ સિવાય મૌની અને સુરજના મલયાલમ રિવાજો પ્રમાણે થયેલા લગ્નની તસવીરો સામે આવી છે. જેમાં પરિવારજનો મૌની અને સુરજ પર ફૂલ વરસાવી રહ્યા છે. તસવીર જોતાં સુરજ મૌનીના ગળામાં મંગળસૂત્ર પહેરાવતો હોય તેવું લાગી રહ્યું છે. લગ્ન બાદ મૌની પતિ સુરજને ભેટતી હોય તેવી તસવીર પણ સામે આવી છે.
ગઈકાલે મૌની રોયની મહેંદી અને હલ્દી સેરેમની યોજાઈ હતી. આ દરમિયાન અભિનેત્રીએ તેના ભાવિ પતિ સુરજ નામ્બિયાર સાથેની એક રોમેન્ટિક તસવીર ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. આ તસવીરમાં મૌની લાલ સૂટમાં જોવા મળી રહી છે, જ્યારે સુરજ નામ્બિયારે સફેદ રંગનો કુર્તો પહેર્યો છે. મૌનીની આ તસવીર પર બોલિવૂડના ઘણા સેલેબ્સ પ્રેમ વરસાવી રહ્યા છે.
ગતરોજ ઘણા ટીવી સ્ટાર્સ સુરજ નામ્બિયાર અને મૌની રોયની મહેંદી અને હલ્દી સેરેમનીમાં પહોંચ્યા હતા. આ લિસ્ટમાં અર્જુન બિજલાની, આશકા ગોરાડિયા અને મંદિરા બેદી જેવા સ્ટાર્સના નામ સામેલ છે. મૌનીની હલ્દી અને મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો અર્જુન બિજલાની અને મંદિરા બેદીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
મૌની ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, જ્યારે સુરજ આ બધાથી દૂર એક ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. મૌની રોય સોમવારે ગોવા જવા રવાના થઈ હતી, જેના માટે તે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. આજે બંને લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મૌની અને સુરજના લગ્નમાં માત્ર 100 લોકો જ સામેલ થયા હતા.